અમદાવાદ : અમદાવાદ શહેરમાં એક તરફ પાણીની સમસ્યાનો ઉકેલ મળી રહ્યો નથી ત્યારે બીજી તરફ જ્યાં જ્યાં પાણી પહોંચે છે તેમાંથી 5 વોર્ડના કેટલાક વિસ્તારોમાં અપાતુ પાણી પીવાલાયક નથી. છેલ્લા 10 દિવસમાં લીધેલા પીવાના પાણીના સેમ્પલનો લેબોરેટરી ટેસ્ટનો રિપોર્ટ ‘અનફિટ’ જાહેર થયો છે. આવામાં એક રિપોર્ટ કહે છે કે, અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી પીવા જેવું નથી. AMCની સેન્ટ્રલ લેબોરેટરીએ રિપોર્ટ આપ્યો કે, અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પીવાનું શુદ્ધ પાણી નથી મળતુ.
અમદાવાદ શહેરમાં કેટલાક વિસ્તારોનું પાણી પીવાલાયક નથી. AMCની સેન્ટ્રલ લેબોરેટરીના રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે. અમદાવાદના વટવા, ઈસનપુર, બહેરામપુરા, જમાલપુરના કેટલાક વિસ્તારોમાં દુષિત પાણીની સમસ્યા છે. AMC ના હેલ્થ વિભાગ દ્વારા નિયમિત રીતે જુદા જુદા વિસ્તારોમાંથી પાણીના સેમ્પલ લેવાતા રહે છે. વિવિધ ઠેકાણે ભંગાણ અને પાણી-ડ્રેનેજ લાઈન મિક્સ થવાથી દુષિત પાણીની સમસ્યા છે. ગેરકાયદે દબાણ અને ઝુપડપટ્ટીના કારણે સમસ્યાનું નિવારણ લાવવામાં તંત્રને મુશ્કેલી પડી રહી છે.
AMCની દૂધેશ્વર વોટર વર્કસ ખાતે આવેલી સેન્ટ્રલ લેબોરેટરીએ શહેરના પાંચ વોર્ડ વિસ્તારના કેટલાક સ્થળે પાણી પીવાલાયક નહિ હોવાનો રિપોર્ટ આપ્યો છે. જેમાં વટવા, ઈસનપુર, બહેરામપુરા, જમાલપુરા તથા અસારવા વોર્ડનું નામ છે. અહીંની સોસાયટીઓમાં આવતા દૂષિત પાણીની સમસ્યા બાદ આ રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા. આ વોર્ડમાં દૂષિત પાણીની સમસ્યાઓ વારંવાર ઉદભવી રહી હતી. જેને કારણે પાણીના સેમ્પલ લઈને AMCની સેન્ટ્રલ લેબોરેટરીમાં મોકલી અપાયા હતા.
રિપોર્ટમાં જવાબ અપાયો કે, પાંચ વોર્ડના વિવિધ પાંચ સ્પોટ પરથી લેવામા આવેલા સેમ્પલમાં ક્લોરીન રિપોર્ટ નીલ આવ્યો છે. તેથી આ પાણીનો ઉપયોગ કરવો નહિ. આ ઉપરાંત આ પાણીમાં બેક્ટોરોજીકલ રીપોર્ટ પણ સંતોષકારક આવ્યો નથી.