અમદાવાદ : આજે અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL)2024ની ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન વચ્ચેની મેચ રમાશે. મેચ જોવા માટે ક્રિકેટ રસિકો બપોરથી જ સ્ટેડિયમ ખાતે પહોંચ્યા છે.સ્ટેડિયમની બહાર ક્રિકેટપ્રેમીઓની ભારે ભીડ જામી છે. બને ટીમોના ફેન્સ ટીમની ટી-શર્ટ પહેરીને સ્ટેડિયમ ખાતે પહોંચી ગયા છે. તો દર્શકોની ભારે ભીડને ધ્યાને રાખીને પોલીસે સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.
ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચના ચાહકો આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હોટેલ બુકિંગથી લઈને ટ્રેન અને ફ્લાઈટ ટિકિટનું બુકિંગ અગાઉથી થઈ ગયું હતું. ત્યારે હવે ક્રિકેટ રસિકોની આતુરતાનો અંત આવ્યો છે. આજે બંને ટીમો સામ સામે ટકરાશે. અમદાવાદમાં આઈપીએલની પ્રથમ મેચ હોવાથી લોકોમાં અનેરો ઉત્સાહ છે. કેટલાક લોકો બહારથી જ પોતાની મનગમતી ટીમને ચીયરઅપ કરી રહ્યા છે.
અમદાવાદ સહિત વિવિધ શહેરો અને અન્ય રાજ્યના શહેરોમાંથી પણ લોકો મેચ જોવા માટે સ્ટેડિયમ ખાતે પહોંચી ચૂક્યા છે. લોકોની ભીડ સ્ટેડિયમની બહાર જોવા મળી રહી છે. મેચ શરૂ થવાને અડધા કલાક કરતા પણ ઓછો સમય બાકી છે, ત્યારે હજુ પણ મેટ્રો સ્ટેશન પર લોકોની ભીડ જોવા મળી રહી છે. લોકો મેચ શરૂ થાય તે પહેલા સ્ટેડિયમ પહોંચવા પ્રસાસ કરી રહ્યા છે.
અમદાવાદ પોલીસ કમિશનરે IPLની મેચને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જે મુજબ અમદાવાદમાં યોજવનારી IPLના ત્રણેય દિવસે અમદાવાદમાં નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સ્પા સંચાલકોએ પણ કર્મચારીઓ અને સ્ટાફની વિગત અને આઇડી કાર્ડ જે તે પોલીસ સ્ટેશનમાં આપવામાં રહેશે. રિક્ષા, ટેક્સી કે કેબમાં ફરજિયાત વાહનચાલકનું નામ સહિતની તમામ વિગત દેખાય તે રીતે બોર્ડ પર લગાવવાની રહેશે.