અમદાવાદ : અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા નવી પહેલ શરૂ કરાઈ છે. અમદાવાદ શહેરમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડની કામગીરી વધુ સરળ અને ઝડપી બને તેના માટે આજે મ્યુનિસિપલ કોર્પોરેશનની હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીમાં અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. મા વાત્સલ્ય કાર્ડ અને મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડમાં બદલવા તેમજ નવા પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ હવે અમદાવાદ શહેરના તમામ 80 જેટલા અર્બન હેલ્થ સેન્ટર ઉપરથી કાઢી આપવામાં આવશે. આ અગાઉ 32 જેટલા અર્બન હેલ્થ સેન્ટરો પર આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવતા હતા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન ભરત કે પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ કાઢવાની કામગીરી શહેરના અર્બન હેલ્થ સેન્ટરો પર કરવામાં આવે છે. આ કામગીરી વધુ ઝડપી અને સરળ બને તેમજ શહેરના નાગરિકો આનો લાભ લઇ શકે તેના માટે હવે તમામ 80 અર્બન હેલ્થ સેન્ટર ઉપર આ આયુષ્યમાન કાર્ડ કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના માટે આજે કમિટીમાં બે ખાનગી કોન્ટ્રાકટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. 6 માસ માટે કુલ 16.80 લાખના ખર્ચે આ કામગીરી કરવામાં આવશે.