અમદાવાદ : અમદાવાદમાં બાપુનગર વિસ્તારમાં ગરીબનગર ચાર રસ્તા પાસે પેટ્રોલિંગ દરમિયાન બાપુનગર પોલીસ સ્ટેશનના PSI સહિત અન્ય પોલીસકર્મીઓ પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો, જેમાં પથ્થરમારો કરી પોલીસ વાનનો કાચ તોડી નાંખ્યો અને ગાડીના દરવાજાને પણ નુકસાન પહોચાડ્યું છે. મામલો ઉગ્ર બનતા આસપાસના કંટ્રોલ રૂમમાં જાણ કરીને વધુ પોલીસ બોલવવી પડી હતી, પરંતુ ટપોરીઓ અંધારાનો લાભ લઈને ભાગી છુટ્યા હતા. હાલ પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ રાતના 12.50 વાગ્યા આસપાસ બાપુનગરના ગરીબનગર ચાર રસ્તા પાસે પોલીસની પેટ્રોલિંગ કરતી ટીમ પહોંચી હતી. તે સમયે ટ્રાફિક ચોકીની સામે જાહેર રોડ ઉપર કેટલાક શખસો ઉભા હતા.જ્યાં પોલીસે ગાડી ઉભી રાખી જોતા ટોળામાં ફઝલ ફરીદ અહેમદ શેખ (રહે- અકબરનગરના છાપરા, એસ. પી.ઓફિસની પાછળ, બાપુનગર) અને મહેફુઝ નામનો શખસ તેમજ અન્ય 7થી 8 માણસોનું ટોળું રોડ ઉપર ઊભેલું હતું.જેથી પોલીસે આ તમામને ઘરે જતા રહેવાનું કહ્યું હતું.
આ દરમિયાન ટોળામાં રહેલા ફઝલ ફરીદ અહેમદ શેખ અને મહેફુઝે બુમાબુમ કરી હતી અને પોલીસને બિભસ્ત ગાળો આપી હતી. પોલીસ તેને પકડવા જતા આ લોકો થોડા દૂર ગયા હતા અને હાથમાં પથ્થરો લઇ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં પોલીસ વાનનો આગળનો કાચ તૂટી ગયો હતો અને દરવાજાને પણ નુકસાન થયું હતું. આ ઉપરાંત આરોપી ફઝલે તલવાર હાથમાં લઇ પોલીસને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
આ બનાવ અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા આસપાસના ગોમતીપુર, રખિયાલ, અમરાઇવાડીની પોલીસની ગાડીઓ તેમજ બાપુનગર સર્વેલન્સ સ્કોર્ડના માણસો આવી ગયા હતા. જેથી ઉપરોક્ત ફઝલ અને મહેફૂઝ તેમજ ટોળાના અન્ય માણસો અંધારાનો લાભ લઈ અકબરનગરના છાપરામાં ટુ વ્હીલર પર ભાગી ગયા હતા. હાલ પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે.