અમદાવાદ : અમદાવાદના બોપલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના ઘટી છે, જાહેરમાં ફાયરિંગની ઘટનાને પગલે આસપાસના રહીશોમાં ડરનો માહોલ ફેલાયો હતો. હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરાયું હોવાની જાણકારી મળી રહી છે. અંગત અદાવતમાં ફાયરિંગ કરાયું હોવાનું વિગતો બહાર આવી રહી છે. બીજી બાજુ, ફાયરિંગની ઘટનાની જાણ થતાં જ બોપલ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના બોપલ વિસ્તારમાં અંગત અદાવતમાં બિલ્ડરે સ્વબચાવમાં ફાયરિંગ કરાયું હતું. ધંધુકાથી આવેલા શખ્સોએ બિલ્ડર સાથે માથાકૂટ કરી હતી. આ શખ્સોએ બિલ્ડર પર હુમલો કર્યો હતો અને બિલ્ડરની ઇનોવા ગાડીમાં તોડફોડ કરી હતી. તો સામે પક્ષે બિલ્ડરે સ્વબચાવમાં પોતાની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
આરોપીએ બિલ્ડર પર જીવલેણ હુમલો કર્યો હતો. સાથે જ કારમાં તોડફોડ કરીને હુમલો કરાતા બિલ્ડરે સ્વબચાવ ફાયરિંગ કર્યું હતું. બિલ્ડરે લાયસન્સ ધરાવતી રિવોલ્વરથી હવામાં ફાયરિંગ કર્યું હતું. જ્યારે ઘટનાને પગલે પોલીસ કાફલો સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસે બિલ્ડરની ફરિયાદ લઈને વધુ તપાસ આરંભી છે.