અમદાવાદ : શહેરમાં વારંવાર સ્પાની આડમાં ચાલટી દેહવ્યાપારની પ્રવૃત્તિ પર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે વધુ એક સ્પામાં ગેરકાયદે પ્રવૃતિનો પર્દાફાશ થયો છે.સેટેલાઈટ પોલીસે શિવરંજની પાસેના એક સ્પામાં દરોડો પાડતાં છ જેટલી યુવતીઓ મળી આવી હતી. પોલીસે સ્પાના મેનેજર અને માલિક સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના વિવિધ વિસ્તારોમાં સ્પાની આડમાં દેહવેપારના ધંધા ચાલી રહ્યા હોવાની અનેક ફરિયાદો ઉઠી છે. અમદાવાદમાં ચાલી રહેલા સ્પામાં દેહવ્યાપારની પ્રવૃત્તિઓ ચાલતી હોવાથી તેને બંધ કરાવવા માટે પોલીસને સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે સેટેલાઈટ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓએ સેટેલાઈટ વિસ્તારમાં શિવરંજનીના શિતલ વર્ષા મોલમાં ચાલી રહેલા પ્રાઈમ ટાઈમ વેલનેસ સ્પામાં એક ડમી ગ્રાહક ઉભો કરીને મોકલ્યો હતો. જે બાદ ચોક્કસ માહિતી મળતા પોલીસે દરોડો પાડ્યો હતો.
જ્યાં જઈને જોતા સ્પાની અંદર એક કેબિનમાં યુવતી મળી આવી હતી. તે ઉપરાંત કાઉન્ટર ઉપર મેનેજર લોકેશકુમાર બેઠો હતો. સ્પાની અંદર તપાસ કરતાં પાર્ટીશન કરીને છ નાની-નાની રૂમો તૈયાર કરવામાં આવી હતી. જેમાં પાંચ છોકરીઓ હતી. આ પાંચેય છોકરીઓ અમદાવાદની હતી. જેમની પૂછપરછમાં સ્પાના માલિક વિશે પૂછતાં તેમણે પોલીસને સ્પાના માલિક મુકેશ મીણા હોવાનું જણાવ્યું હતું. સ્પાના માલિકે આ છોકરીઓને રાખીને તેમને પાંચસો રૂપિયામાં દેહવ્યાપારની પ્રવૃત્તિ કરાવતો હતો. પોલીસે સ્પાના માલિક અને મેનેજર સામે ગુનો દાખલ કર્યો હતો.