અમદાવાદ : IPL-2024ની મેચો શરૂ થતાં જ સટોડિયાઓ પણ સક્રિય થઈ ગયા છે. 31 માર્ચે રમાયેલી ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝસ હૈદરાબાદની મેચ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સટ્ટો રમતા ત્રણ સટોડિયાની પોલીસે ધરપકડ કરી છે. મોબાઈલ એપ્લિકેશન પર સ્ટોડિયમની અંદર જ સટ્ટો રમતા આ સડોડિયાઓને પોલીસે રંગેહાથ દબોચી લીધા હતા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ એલસીબીના કર્મચારીઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર બંદોબસ્તમાં હતા. આ દરમિયાન તેમને બાતમી મળી હતી કે, પ્રેસિડેન્ટ ગેલેરીમાં બેઠેલો એક શખ્સ મોબાઈલમાં માસ્ટર આઈડી રાખીને લાઈવ મેચ પર સટ્ટો રમાડી રહ્યો છે. પોલીસે બાતમીને આધારે તે શખ્સ પાસે જઈને તેની પૂછપરછ કરી હતી. આ દરમિયાન તેણે પોતાનું નામ દીપક મોહનાની જણાવ્યું હતું. તેની પાસેથી 12 હજાર રોકડા અને મેચની એક ટિકિટ મળી આવી હતી. તેના મોબાઈલમાં સટ્ટા માટેના વિવિધ આઈડી મળી આવ્યાં હતાં.જેને આધારે પોલીસે તપાસ હાથ ધરીને સ્ટેડિયમમાં સટ્ટો રમતા ત્રણ સટોડિયાને રંગેહાથ પકડ્યા હતા.
પુછપરછમાં આરોપીઓએ તેમના નામ પ્રિયંક દરજી, શુભમ પરમાર અને દિપકકુમાર મોહનાની હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેમની પાસેથી મોબાઈલ કબજે કર્યા હતા.તપાસમાં આરોપીઓ IPL મેચ પર એક ચોક્કસ એપ્લિકેશનની મદદથી સટ્ટો રમતા હતા.ચાંદખેડા પોલીસે આ અંગે ત્રણ જેટલા ગુના નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસમાં 3 બુકીઓના નામ ખુલતા પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
અમદાવાદ બાદ ગાંધીનગરમાં પણ કોબા મહાવીર હિલ્સ અને સેક્ટર-21 શોપિંગ ગોપાલ ડેરીની સામે મોબાઈલમાં જુદી જુદી એપ્લિકેશન મારફતે આઈપીએલની ક્રિકેટ મેચનો સટ્ટો રમતાં ત્રણ સટોડિયાને પોલીસે રંગેહાથ હાથ ઝડપી લીધા હતા. પોલીસે પાંચ મોબાઈલ તેમજ રોકડ રકમ મળીને કુલ રૂ. 26 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.