અમદાવાદ : ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ રાજપૂત સમાજમાં રોષ ભભૂક્યો છે. જેને લઈને આજે રાજપૂત સમાજની કોર કમિટીની બેઠક શહેરના ગોતા વિસ્તારમાં આવેલા રાજપૂત ભવન ખાતે યોજાઈ હતી. જેમાં રાજપૂત સમાજ સંકલન સમિતિના સભ્યો પણ જોડાયા હતા. આ બેઠકમાં મોટા મોટા ક્ષત્રિય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદિપસિંહ, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, બળવંતસિંહ રાજપૂત, કેસરીદેવસિંહ ઝાલા બેઠકમાં હાજર રહ્યા. ક્ષત્રિય સમાજની 92 લોકોની એક ટીમ છે. આ બેઠકમાં આગેવાનોની રજૂઆત સંભાળી હતી.
આ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ કરતાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, સંકલન સમિતિની કોર કમિટી આજે બેઠકમાં હાજર હતી. મે કોર કમિટી સમક્ષ અમારી વાત કરી છે. રૂપાલાએ વિવાદના થોડ સમયમાં જ માફી માગી હતી. મીડિયા સમક્ષ માફી માગી હતી. પ્રદેશ અધ્યક્ષે પણ મોટું મન રાખીને માફ કરી દેવા વિનંતી કરી હતી. મેં આજ વાત અમારા સૌના વચ્ચે કોર કમિટી સમક્ષ રજૂ કરી. અમે બધાને સાંભળ્યા. બધા લોકોએ એક જ વાત કરી કે, પાર્ટી રૂપાલાને ત્યાંથી ખસેડી લે. આ સિવાય એક પણ વાત અમને મંજૂર નથી. અમારી હાજરીમાં તેમણે સર્વનુમતે કહ્યું કે, તમે રૂપાલાને માફી આપવાની વાત લઇને આવ્યા છો તે અમને મંજૂર નથી.
ક્ષત્રિય સમાજ અને ભાજપ નેતાઓ વચ્ચેની બેઠકમાં કોઈ નિર્ણય નહીં. ભાજપના નેતાઓ સમક્ષ માત્ર એક જ માંગ રૂપાલાની ટિકિટ કાપી અને રાજકોટની સીટ ઉપરથી ઉમેદવાર બદલવામાં આવે. જોકે, એ પહેલાં રાજપૂત સમાજની કોર કમિટીની એસજી હાઇવે ઉપર એક હોટલમાં બેઠક મળી હતી. રાજકોટથી પદ્મિનીબા વાળા ગોતા રાજપૂત ભવન ખાતે પહોંચ્યા હતા. તેમની સાથે ચાર મહિલા સભ્યો પણ અમદાવાદ આવ્યા હતા.ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બે કલાક સુધી બેઠક ચાલી હતી.