અમદાવાદ : અમદાવાદ શહેર અને જિલ્લામાં પોલીસ કર્મચારીઓ અને TRB જવાન અને કેટલાક રોડ પર આવતા જતા વાહનચાલકો પાસેથી યેનકેન પ્રકારે પૈસા પડાવતા હતા. જે અંગે ACBને જાણ થતા ACB દ્વારા ડીકોય કરવામાં આવી હતી. આ ડીકોય દરમિયાન વટવા રિંગ રોડ પર બે પોલીસ કર્મચારીઓ અને એક હોમગાર્ડ જવાન 200 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે. ACBએ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ACBને માહિતી મળી હતી કે અમદાવાદ શહેર-જિલ્લા તથા સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારમાં પોલીસ અધિકારી, કર્મચારી, GRD, TRB તથા વચેટીયા, રોડ ઉપર આવતા-જતા વાહનચાલકોને રોકીને તેમની પાસે કાગળ હોવા છતાં ખોટી રીતે પરેશાન કરી, યેનકેન પ્રકારે બહાના કાઢી હેરાન કરી રૂ.200/- થી 5000/- સુધીની લાંચ લે છે. જે અંગે ACBને જાણ થતા ACB દ્વારા વટવા રિંગ રોડ પર ગામડી ત્રણ રસ્તા, વટવા, ડીકોયનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ માહિતીને આધારે ACB દ્વારા એક જાગૃત નાગરિકને વાહનચાલક તરીકે મોકી છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વટવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનકુમાર બલાત અન્ય પોલીસ કોન્સ્ટેબલ નવીનચંદ્ર ડામોર અને હોમગાર્ડ જવાન બળદેવ ચુનારા 200 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. ACBએ ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને ગુનો નોંધ્યો છે. ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.