અમદાવાદ : અમદાવાદ શહેરમાં અમુક શાળાઓએ ઈદ અને ચેટીચાંદની જાહેર રજાઓમાં વાર્ષિક પરીક્ષા ગોઠવતા વાલીઓમાં આક્રોશ ફેલાયો હતો. લેખિત રજૂઆત DEO કચેરી સુધી થઈ હતી. તેના અનુસંધાને અમદાવાદ શહેરના DEO દ્વારા તમામ શાળાઓને સૂચના આપવામાં આવી છે કે જાહેર રજાના દિવસે શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવામાં આવશે તો કાર્યવાહી કરવામાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રાજ્યમાં શૈક્ષણિક કેલેન્ડરમાં વર્ષ દરમિયાન શૈક્ષણિક કાર્ય તેમજ જાહેર રજાઓ અને વેકેશન અંગે અગાઉથી જાહેર કરી દેવામાં આવે છે. શૈક્ષણિક કેલેન્ડરમાં ચેટીચાંદ અને ઈદની જાહેર રજાઓ હોવા છતાંયે અમદાવાદ શહેરની કેટલીક સ્કુલોએ શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવાની જાહેરાત કરતાં તેનો વિરોધ થયો હતો. અને કેટલાક વાલીઓએ જિલ્લા DEOને રજુઆતો પણ કરી હતી. જેને ધ્યાને રાખીને DEO દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે કે, આગામી 10 અને 11 એપ્રિલે ચેટીચાંદ અને ઈદની જાહેર રજા હોવાથી તમામ સ્કૂલો બંધ રહેશે અને સ્કૂલોમાં શિક્ષણકાર્ય પણ બંધ જ રહેશે.
શાળા-કોલેજોમાં જાહેર રજા નિમિત્તે શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવે છે. તેમ છતાં અમદાવાદ શહેરમાં આવેલી કેટલીક શાળાઓએ ઈદ અને ચેટિચાંદ તહેવારમાં વાર્ષિક પરીક્ષાનું આયોજન કર્યું હતું. વિદ્યાર્થીઓને તહેવારના દિવસે પરીક્ષા આપવાના લીધે વાલીઓએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો.