અમદાવાદ : ભૂતકાળમાં અમદાવાદમાં અનેક સોસાયટીઓમાં PGને લઈને વિવાદમાં આવ્યા છે ત્યારે શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલ એલીગન્સ સોસાયટીમાં PGને લઈ અન્ય લોકોની અવરજવરને કારણે સોસાયટીના રહીશોની નારાજગી સામે આવી છે. એલિગન્સ સોસાયટીના રહીશો અને PGમાં રહેતા લોકો વચ્ચે મોડી રાતે ભારે હોબાળો મચ્યો હતો. નીલકંઠ એલિગન્સ સોસાયટીના રહીશોએ આરોપ લગાવ્યો હતો કે PGમાં રહેતા લોકોથી પરેશાન થઈ રહ્યા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ આનંદનગર વિસ્તારની નીલકંઠ એલીગન્સ સોસાયટીમાં વિવાદ સામે આવ્યો છે. રહીશોએ PG માં રહેતા યુવક યુવતીઓ સામે પોલીસ ફરિયાદ કરી છે. રહીશોનું કહેવું છે કે PG માં રહેતા યુવક યુવતીઓ અછાજતું વર્તન જાહેરમાં કરે છે. સાથે જ તેઓ દારૂનું પણ સેવન કરે છે. રાતના સમયે સોસાયટીમાં પ્રવેશ લેનારાઓની સંખ્યા 700-800 સુધી પહોંચી જાય છે.
PG ના રહીશો સિવાય પણ અન્ય લોકોની અવરજવરને કારણે રહીશોમાં નારાજગી જોવા મળી. અગાઉ સોસાયટીના લોકોએ ત્રણ મહિના માટે પાસ ઈશ્યુ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં માત્ર PG માં રહેતા લોકોને જ પ્રવેશ મળે તેવુ રહીશોનું કહેવું છે. તો બીજી તરફ, PG માં રહેતા મોટાભાગના યુવક યુવતીઓએ પાસ લેવાની ના પાડી છે.
રહીશોનું કહેવું છે કે નીલકંઠ એલીગન્સમાં 174 ફ્લેટ્સમાંથી 74 માં PG ચાલે છે. અહીં લોકો ગેરકાયદે પેટાભાડુઆત રાખ્યા છે. એક વ્યક્તિએ 25 ફ્લેટ્સ PG માટે આપ્યા છે. PG માં રહેવા માટે આપવા પડતા ડોક્યુમેન્ટ્સ પણ જમા કરાવ્યા નથી. આ સિવાય સોસાયટીનું મેઇન્ટેન્સન પણ સમયે ચૂકવામાં આવતું નથી. જે કારણે સોસાયટીના રહીશો દ્વારા PG ના સંચાલકો અને PG માં રહેતા લોકો સામે રોષ ફાટી નીકળ્યો છે.
આમ, સોસાયટીમાં મોડીરાત્રે પીજી રહેતા લોકો અવરજવર સાથે કેટલીક અસામાજિક પ્રવૃત્તિ કરતા હોવાનો આક્ષેપ પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો. આગામી 1 મેથી સંપૂર્ણપણે સોસાયટીમાં પેઈંગ ગેસ્ટ બંધ કરાવવામાં આવશે. જેમાં સ્થાનિકો દ્વારા વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર અને સ્થાનિક કોર્પોરેટરને પીજી બંધ કરાવવા રજૂઆત કરવામાં આવશે.