અમદાવાદ : ઉનાળાને ધ્યાનમાં રાખી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા ફ્લાવર પાર્ક, ઉસ્માનપુરા પાર્ક, બી.જે. પાર્ક, સુભાષ બ્રિજ પાર્ક, ચિલ્ડ્રન પાર્ક, અટલ બ્રિજ તેમજ પૂર્વ અને પશ્ચિમ બાજના લોઅર પ્રોમિનાડ 15 જુલાઈ સુધી રાતના 11 વાગ્યા સુધી મુલાકાતીઓ માટે ખુલ્લા રહેશે. મુલાકાતીઓ રાત્રિના 10 વાગ્યા સુધી પાર્ક અને ગાર્ડન તેમજ અટલ બ્રિજની ટિકિટ મેળવી શકશે.
અગાઉ રાત્રે 10 વાગ્યા સુધી જ રિવરફ્રન્ટના ગાર્ડન, પાર્ક, લોઅર પ્રોમિનાડ ખુલ્લા રહેતા હતા. હવે એક કલાકનો વધારો કરાયો છે. જોકે, રિવરફ્રન્ટ બાયોડાઈવર્સિટી પાર્ક તેના નિયત સમય મુજબ એટલે કે સવારના 7 કલાકથી સાંજના 5 કલાક સુધી ખુલ્લો રહેશે. ઉલ્લેખનીય છે કે, ગરમીને કારણે તમામ બગીચામાં પીવાના પાણીની વ્યવસ્થા કરાશે.
આ અગાઉ મ્યુ કોર્પોરેશનના હિટવેવ એકશન પ્લાન અંતર્ગત કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં હિટ રીલેટેડ ઈલનેસના કેસ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. શહેર ટ્રાફિક પોલીસને ઓ.આર.એસ.ના પચાસ હજાર પેકેટ આપવામાં આવી રહ્યા છે.તેમજ એ.એમ.ટી.એસ.તથા બી.આર.ટી.એસ.ના બસસ્ટોપ ઉપર પીવાના પાણીની અને ઓ.આર.એસ.ના પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે.