અમદાવાદ : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી તથા ગાંધીનગર લોકસભા ભાજપના ઉમેદવાર અમિતભાઇ શાહ 17મીએ રાત્રે અમદાવાદ આવી પહોંચશે. 18મીએ પોતાના લોકસભા મતવિસ્તારની સાતેય વિધાનસભાને આવરી લેતો ગ્રાન્ડ રોડ શો યોજી પ્રચાર કરશે.એક જ દિવસમાં ત્રણ તબક્કામાં રોડ શો નું આયોજન કરાયું છે, જેમાં દરેક વિધાનસભામાં 4 કિમી રોડ શો યોજશે અને બીજા દિવસે એટલે કે 19મીએ ગાંધીનગર કલેક્ટર કચેરીએ પહોંચી પોતાનું ઉમેદવારી પત્ર ભરશે.
મીડિયા રિપોર્ટ મુજબ અમિતભાઇ શાહ 18મીએ સવાર અને સાંજ એમ બે તબક્કામાં રોડ શો યોજશે. સવારે ત્રણથી ચાર વિધાનસભા વિસ્તાર અને બપોર પછી બાકીની વિધાનસભા વિસ્તારોને આવરી લેતો ભવ્યાતિભવ્ય રોડ શો યોજવા માટે મેરેથોન બેઠકો ચાલી રહી છે. અમિતભાઇનો રોડ શો સાણંદથી શરૂ થઇને વેજલપુર, નારણપુરા, ઘાટલોડિયા અને પછી સાબરમતી, ગાંધીનગર ઉત્તર અને કલોલના વિસ્તારોને આવરી લેશે. દરેક વિધાનસભા વિસ્તારમાં 4-4 કિમીનો રોડ શો યોજાય એવી રીતે આયોજન ચાલી રહ્યું છે.19મીએ અમિતભાઇ ગાંધીનગર કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા જશે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાષ્ટ્રીય આગેવાનો પણ તેમની સાથે જોડાશે.19મીએ જાહેરસભા યોજવા અંગે હજુ આખરી નિર્ણય લેવાયો નથી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના એસજી હાઇવે પર આવેલા જલસા પાર્ટી પ્લોટ પાસે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન બાદ ચૂંટણી પ્રચારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગાંધીનગર લોકસભા હેઠળ સાણંદ, વેજલપુર, નારણપુરા, ઘાટલોડિયા, સાબરમતી, ગાંધીનગર ઉત્તર અને કલોલ વિધાનસભા બેઠકોના ધારાસભ્યો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ચૂંટાયેલા સભ્યો, સંગઠનના પદાધિકારીઓ, લોકસભા પ્રભારી અને સાંસદ મયંક નાયક, લોકસભા પ્રભારી ધારાસભ્ય હર્ષદ પટેલ, ક્લસ્ટર પ્રભારી કે.સી. પટેલ સહિતના પ્રદેશના આગેવાનોના માર્ગદર્શનમાં માઇક્રો પ્લાનિંગ સાથે પ્રચારની વ્યવસ્થા ગોઠવીને કામ શરૂ કરી દીધું છે.