અમદાવાદ : અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં કાર ચાલકે બાળકીને કચડી નાખી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં પાર્કિંગમાં રમતી બાળકીને કાર ચાલકે ટક્કર મારતા મોત નિપજ્યું છે. આ સમગ્ર બનાવ સીસીટીવી સામે આવ્યા બાદ પોલીસે આ સંદર્ભે ગુનો નોંધી આરોપી કારચાલકની ધરપકડ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના નેહરુનગર વિસ્તારમાં આવેલા કલારે એપાર્ટમેન્ટમાં ગઈકાલે એક વર્ષ અને બે મહિનાની માસૂમ આસ્થા રમી રહી હતી. એ દરમિયાન બાળકી ભાખોડિયા ભરતી ભરતી કાર પાસે પહોંચી હતી અને તે કારના આગળના ભાગે ઊભી રહી ગઈ હતી. એ દરમિયાન કારચાલકે કારને આગળ દોડાવતા માસૂમ બાળકી પર કારનું ટાયર ફરી વળ્યું હતું અને તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
બાળકી ગંભીર રીતે ઘાયલ થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. આ સમગ્ર મામલે પોલીસને જાણ કરતાં પોલીસે આ સંદર્ભે અકસ્માતે મોત ગણીને તપાસ હાથ ધરી હતી અને આ સમગ્ર મામલે ટ્રાફિક વિભાગના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
જોકે ટ્રાફિક-પોલીસે કારચાલક કનક અર્જુનભાઇ લીડિયાની ધરપકડ કરી છે. હાલ પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે, પરંતુ આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા બાદ ભલભલાનાં રૂંવાડાં ઊભાં થાય એવી ઘટના છે.