અમદાવાદ : આજે નવા વાડજ ગામમાં આવેલ ‘ડોહલી માં’ નાં મંદિર ખાતે ચૈત્રી નવરાત્રી નિમિત્તે હવન અને મહાઆરતી કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, પ્રાચીન પરંપરા પ્રમાણે દર વર્ષે ચૈત્રી નોરતાં દરમ્યાન પ્રથમ રવિવારે તમામ ગામવાસીઓ સાથે મળીને આ ઉત્સવની ઉજવણી કરે છે, દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરબાં અને સામુહિક ભોજનનું આયોજન કરાયું હતું, જેમાં આશરે 4000થી વધુ ગામ વાસીઓએ ભાગ લીધો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ નવાવાડજ ગામમાં આવેલ ‘ડોહલી માં’ નાં મંદિર ખાતે ચૈત્રી નવરાત્રી નિમિત્તે હવન અને મહાઆરતી કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે નારણપુરાના ધારાસભ્ય જીતેન્દ્રભાઈ પટેલ અને સાબરમતીના ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ, રૂપેશભાઈ વિષ્ણુભાઈ પટેલ સહિત સ્થાનિક આગેવાનોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગામવાસીઓએ ભાગ લઈ માતાજીના હવનમાં આહુતિ આપી દુઃખ દારિદ્ર અને કષ્ટ દૂર કરવા પ્રાર્થના કરી હતી. ચૈત્રી નવરાત્રી ઉજવણીમાં ભાવિકોએ પણ મંદિર ખાતે દર્શનનો લ્હાવો લઈ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
તમને જણાવી દઈએ કે છેલ્લા 27 વર્ષોથી ચૈત્રી નવરાત્રીમાં ડોહલી માતાજીનો હવન કરવામાં આવે છે. આ હવનમાં સમગ્ર નવાવાડજ ગામના લોકો એકઠા થાય છે અને સાંજે ભોજન પ્રસાદનો લાભ મેળવે છે. દર વર્ષે મોટી સંખ્યામાં આ હવનમાં લોકો ભાગ લે છે જો કે આ વર્ષે પણ ડોહલી માતાજી યુવક મંડળ દ્વારા ભવ્ય આયોજન કરી ચૈત્રી નવરાત્રિની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી રહી છે.