અમદાવાદ : અમદાવાદમાં રેલવે તંત્રમાં ગજબનો કિસ્સો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે, અમદાવાદમાં એક જ નામના બે રેલવે સ્ટેશનથી મુસાફરો, રિક્ષા અને ટેક્ષી ચાલકોને મુશ્કેલીમાં મુકાયા છે. વાત જાણે એમ છે કે, અમદાવાદમાં ચાંદલોડિયા નામના બે રેલવે સ્ટેશન છે. જેમાં એકનું નામ ચાંદલોડિયા અને એકનું નામ ચાંદલોડિયા બી સ્ટેશન છે. જોકે આ બંને નામ એક જ હોવાથી મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ કાલુપુર સ્ટેશને રિડેવલપમેન્ટની કામગીરીને કારણે અમદાવાદથી ઉપડતી અનેક ટ્રેન સાબરમતી અને ગાંધીનગર ખસેડાઈ છે. જ્યારે ઉત્તર ભારત તરફથી આવતી ટ્રેનો બાયપાસ કરાઈ છે. અમદાવાદથી ખસેડાયેલી કે બાયપાસ થયેલી ટ્રેનોમાં મુસાફરી કરતા શહેરના પેસેન્જરને ગાંધીનગર ન જવું પડે તે માટે ચાંદલોડિયા જ્યારે દિલ્હીથી આવતી ચાંદલોડિયા બી સ્ટેશને સ્ટોપેજ અપાયું છે. બંને સ્ટેશનના નામ ચાંદલોડિયા હોવાથી પેસેન્જર એકને બદલે બીજા સ્ટેશને જતા રહે છે. બે સ્ટેશનને વચ્ચે માંડ 2 કિલોમીટરનું અંતર છે. આ સ્ટેશનમાં ગૂંચવાડાને કારણે કેટલીક પેસેન્જર ટ્રેન પણ ચૂકી જતા હોય છે.
સૌરાષ્ટ્રથી દિલ્હી જતી ટ્રેનોને વિરમગામથી મહેસાણા કનેક્ટિવિટી આપવા થોડા સમય પહેલાં ચાંદલોડિયા મુખ્ય સ્ટેશનથી દૂર ચાંદલોડિયા બી સ્ટેશન તૈયાર કરાયું હતું. ઉત્તર ભારત તરફ જતી ટ્રેન માટે પેસેન્જર ટિકિટ ખરીદે તો ટિકિટ પર ચાંદલોડિયા સ્ટેશન લખેલું હોય છે. આથી પેસેન્જર ચાંદલોડિયા સ્ટેશન પર પહોંચી જાય છે પણ ત્યાં પછી ખબર પડે છે કે ચાંદલોડિયા બી સ્ટેશન જવાનું છે.
આ હકીકતને ધ્યાનમાં રાખી બંનેમાંથી એક સ્ટેશનનું નામ બદલવાની માગણી કરાઈ છે. નવા બનાવાયેલા સ્ટેશનને ચાંદલોડિયા બી સ્ટેશન નામ અપાયું છે. પરંતુ પેસેન્જર ટ્રેન પકડવા ચાંદલોડિયા સ્ટેશન પહોંચી જતા હોવાથી છેલ્લી ઘડીએ દોડધામ કરવી પડે છે.