અમદાવાદ : લોકસભા ચૂંટણી 2024ને લઈ દેશભરમાં નેતાઓ અને મંત્રીઓ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજરોજ ગુજરાતમાં સાણંદ કલોલની અંદર કેન્દ્રીય મંત્રી અમિત શાહનો ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો હતો. તે ઉપરાંત અમદાવાદની અંદર રાણીપ, ઘાટલોડિયા, નારણપુરાથી લઈ વેજલપુર સુધી રોડ શોનું આયોજન કરાયું છે.આજે તેઓ 6 વિધાનસભા બેઠકોને આવરી લેતો મેરેથોન રોડ શો યોજી રહ્યા છે. આ રોડ શો દરમિયાન તેમણે રુપાલા વિવાદ અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું.
અમિત શાહે રોડ શો દરમિયાન મીડિયા સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે, અહીંથી મારુ પાલન પોષણ થયું, 30 વર્ષ સુધી જનપ્રતિનિધી રહ્યો. સેંકડો દિવાલા પર કમળ છપાવ્યા છે. લોકો ખુબ ઉત્સાહથી સ્વાગત કરી રહ્યા છે. અહીં મોદી જ ચાલે છે. વધુમાં તેમણે 400 પાર સાથે જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, વધુમાં તેમણે ગુજરાતમાં ક્ષત્રિય સમાજના વિરોધ અંગે જણાવ્યુ કે, રુપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગી લીધી છે. મને વિશ્વાસ છે કે, ક્ષત્રિય સમાજ રુપાલાને માફ કરશે. ભાજપની સાથે ક્ષત્રિય સમાજ છે.
તમને જણાવી દઈએ કે, રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રુપાલાએ ક્ષત્રિય સમાજના વિરોધની વચ્ચે પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે આ સાથે જ તેઓ ચૂંટણી પ્રચારમાં પણ લાગી ગયા છે ભાજપ કોઈ પણ કિંમતે રુપાલાને બદલવા તૈયાર નથી, ત્યારે બીજી તરફ ક્ષત્રિય સમાજમાં રુપાલાને લઈને રોષ શાંત નથી થઈ રહ્યો. ત્યારે અમિત શાહે આજે રોડ શો માં સ્પષ્ટતા કરી દીધી છે રુપાલાને ભાજપ લડાવશે જ અને ક્ષત્રિય સમાજ રુપાલાને માફ કરી દેશે.
મહત્વનું છે કે, ભાજપ દ્વારા ક્યાંકને ક્યાક આ વિવાદને ડામવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે. ગત બુધવારે મોડી રાત્રે મુખ્યમંત્રી તેમજ સી આર પાટીલ અને અમિત શાહના નિવાસ્થાને પહોંચ્યા હતા. જ્યાં બેધ બારણે 15-20 મીનીટ ચર્ચા કરવામા આવી હતી. જાણવા મળી રહ્યું છે કે, આ બેઠકમાં અમિશાહ સમક્ષ ક્ષત્રિય નેતાઓની વાત પહોંચાડાઈ હતી.