અમદાવાદ : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈ ઉમેદવારી રદ કરવા ક્ષત્રિયોએ માગ કરી હતી. ભાજપ દ્વારા ઉમેદવારી રદ ન કરવામાં આવતાં હવે નારાજ ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ- 2 શરૂ કરવાની રણનીતિ ઘડવામાં આવી છે. આજે 19મી એપ્રિલના રોજ ફોર્મ ભરવાના છેલ્લા દિવસે રાજપૂત સંકલન સમિતિ અને તેની સાથે રાજપૂત સમાજની 92 સંસ્થાના પ્રતિનિધિઓની એક મહત્ત્વની બેઠક ગોતા રાજપૂત ભવન ખાતે રાખવામાં આવી હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ પ્રેસ-કોન્ફરન્સ કરી અગત્યની જાહેરાત અને આગામી કાર્યક્રમો અંગે જાણ કરવામાં આવી હતી.
આ અંગે સંકલન સમિતિના અધ્યક્ષ કરણસિંહ ચાવડાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટથી શરૂ થયેલુ આ આંદોલન સમગ્ર રાજ્યમાં પહોંચશે. પાર્ટ-1 ઓપરેશન રૂપાલા હતું, હવે આંદોલન પાર્ટ-2 ઓપરેશન ભાજપ અંગે રણનીતિ ઘડવામાં આવશે. કરણસિંહે જણાવ્યુ કે પરશોત્તમ રૂપાલાએ દિલથી માફી નથી માગી અને તેમની ટિકિટ રદ કરવાની માગ પર ક્ષત્રિયો હજુ પણ અડગ છે.
રાજપૂત સમાજ ભવન ગોતા ખાતે સમગ્ર ગુજરાતની સંકલન સમિતિ સાથે જોડાયેલી 100 જેટલી સંસ્થાઓ, ક્ષત્રિય સમાજના આગેવાનો અને કોર કમિટીની બેઠક મળી છે. રૂપાલાને આપવામાં આવેલી 19 તારીખનું અલ્ટીમેટમ પૂર્ણ થતા આ બેઠક બોલાવવામાં આવી છે. જેમા ક્ષત્રિય સમાજની 92 સંસ્થાના પ્રતિનિધિઓ હાજર છે. આંદોલન પાર્ટ-2ના એજન્ડા અંગે સમિતિના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવનાર છે.
શું છે ક્ષત્રિય સમાજની આગામી રણનીતિ ?
ક્ષત્રિય મહિલા આગેવાનો હવે 18 દિવસ સુધી પ્રતીક ઉપવાસ પર ઉતરશે. રાજ્યમાં ક્ષત્રિય સમાજની 21 બહેનો 18 દિવસ સુધી પ્રતિક ઉપવાસ પર ઉતરશે. અને અમારું આંદોલન સતત ચાલુ રહેશે.
ગુજરાતમાં 5 જગ્યાએથી ધર્મ રથ કાઢવામાં આવશે. કચ્છ, સૌરાષ્ટ્ર અને અન્ય જગ્યાએ આવેલા મુખ્ય મંદિરોથી ધર્મ રથ કાઢવામાં આવશે. ધર્મ રથના માધ્યમથી અમે લોકો સુધી પહોંચીશું અને તેમને ભાજપને શા માટે ના ચૂંટાવું જોઈએ તેના વિષે જણાવીશું.
અમદાવાદના પોલીસ કમિશનરના જાહેરનામા સામે હવે ક્ષત્રિય સમાજે PIL દાખલ કરવામાં આવી છે. લોકશાહીમાં આ અમારી અભિવ્યક્તિ સ્વતંત્રતાનો ભંગ છે. કાળા વાવટા નહીં તો કેસરી વાવટાથી પણ વિરોધ તો કરીશું જ.
સમગ્ર રાજ્યમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાની કમિટીની નિમણૂક કરવામાં આવી છે. અમારું મુખ્ય એપીસેન્ટર રાજકોટ છે. હવે મુખ્ય કાર્યક્રમો રાજકોટમાં થશે. સૌરાષ્ટ્રના આગેવાનો અને યુવાનો, મહિલાઓ રાજકોટમાં વિરોધ દર્શાવશે અને ત્યાં કાર્યક્રમો યોજવામાં આવશે.
અમે લોકશાહી ઢબે લડવાના છીએ. અને “મત એજ શસ્ત્ર” છે અને તેનાથી જ લડવાનું છે. અમે “Boycott BJP” મુવમેન્ટ ચલાવવામાં આવશે. હવે રૂપાલા નહિ હવે ભાજપને હરાવવા ક્ષત્રિયો મેદાને ઉતાર્યા છે.
7મી મેના રોજ ભાજપને હરાવવા મોટા પાયે મતદાન થશે. 26 સીટમાં અમને રૂપાલા દેખાય છે અને અમે હવે ગુજરાતમાં દરેક સીટ પર ભાજપના ઉમેદવારોને હરાવવા માટે આંદોલન ચલાવીશું.
સંકલન સમિતિના અધ્યક્ષ કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે અમે પહેલા પણ કોઈ વર્ગ વિગ્રહ નથી કર્યો અને આગળ પણ કરવાના નથી. હવે અમે સર્વ સમાજ સાથે મળીને રૂપાલાને હરાવવા મેદાને ઉતાર્યા છીએ.