અમદાવાદ : અમદાવાદ શહેરમાં એક ખૂણેથી બીજા ખૂણે જવા માટે AMTS બસ અને BRTS બસનો ઉપયોગ કરવામાં આવે છે. જેનો લાભ શહેરની જનતા મળી રહ્યો છે.આ શહેરનાં લોકોને આશીર્વાદ ક્યારેક ને ક્યારેક શ્રાપ રૂપ બની જાય છે. અમદાવાદની લાઈફલાઈન ગણાતી AMTSની ટક્કરથી વધુ ઘટનાસ્થળે જ નાગરિકનું મોત થયું હતું. AMTSની બસે ભુલાભાઈ ચાર રસ્તા પાસે વેપારીને ટક્કર મારતા વેપારી રીતસરનો હવામાં ફંગોળાયો હતો અને તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું હતું. અકસ્માતના પગલે AMTS ની બસનો ચાલક લોકોના મારના ડરથી ફરાર થઈ ગયો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના વટવામાં આવેલી વ્રજભૂમિ સોસાયટીમાં 52 વર્ષીય નવીનભાઈ પટેલ પરિવાર સાથે રહેતા હતા અને બહેરામપુરા ખાતે શ્રીવિષ્ણુ શો મીલ નામથી લાકડાનો વેપાર કરતા હતા. ગુરુવારે તેઓ મિલ ખાતે ગયા હતા, ચા પીને પોતાના ઘરે સોસાયટીના કાગળોની ફાઇલ લેવા જવા માટે નીકળ્યા હતા. ટુવ્હીલર લઈને ભૂલાભાઈ ચાર રસ્તા પાસે પહોંચ્યા હતા, તે સમયે પાછળથી આવેલી એક AMTS બસના ચાલકે પૂરપાટ ઝડપે બસ ચલાવીને નવીનભાઈના ટુવ્હીલરને ટક્કર મારી હતી, જેથી નવીનભાઈ હવામાં ફંગોળાઈને જમીન પર પટકાતા સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે નવીનભાઈને મૃત જાહેર કર્યા હતા.આ મામલે કે ડિવિઝન ટ્રાફિક પોલીસે અકસ્માત AMTS બસના ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.
AMTS ની બસે વેપારીને ટક્કર મારતા ઘટનાસ્થળે લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું.અકસ્માતમાં મૃત્યુ પામેલા વેપારીની જાણ તેના સગાસંબંધીઓને કરવામાં આવતા સમગ્ર કુટુંબમાં કલ્પાંત મચી ગયું છે. આખું કુટુંબ શોકગ્રસ્ત થઈ ગયું છે. મૃતક વેપારી કુટુંબનો એકમાત્ર કમાનાર હતો અને આખું કુટુંબ હવે નિરાધાર થઈ ગયું હોય તેવી સ્થિતિ છે.