રાજકોટ : દેશમાં લોકસભા ચૂંટણીઓનો માહોલ જામ્યો છે. લોકશાહીના મહાપર્વની દેશમાં ઉજવણી ચાલી રહી છે. ગુજરાતમાં દરેક પક્ષ ચૂંટણી જંગમાં જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ગુજરાતમાં દરેક પક્ષો પોતાની જાહેરસભાઓ ગજવી રહ્યા છે.રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના એક નિવેદનથી વિવાદ સર્જાયો છે. પરેશ ધાનાણીએ પટેલ અને ક્ષત્રિયોને હરખ પદુડા કહ્યાં છે. ધાનાણીમાં ઉપયોગમાં લીધેલા શબ્દથી નવો રાજકીય વિવાદ શરૂ થયો છે. ધાનાણી ભાજપના શરૂઆતના સમયનું ઉદાહરણ આપી રહ્યા હતા. ત્યારે તેમણે કહ્યું કે, ભાજપના બીને પટેલ અને ક્ષત્રિયોએ પાણી પાયું છે. 2015માં અમને ખબર પડી અને હવે ક્ષત્રિયોનો વારો આવ્યો. આમ, ધાનાણીએ કરેલા વાણી વિલાસ બાદ ભાજપે સવાલ ઉઠાવ્યા છે.
રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ગઈકાલે જાહેરસભાનું આયોજન કર્યું હતું. રાજકોટની આ સભામાં ધાનાણી ગોવાળિયાના વેશમાં જોવા મળ્યા હતા. આ સભામાં તેમને ભાજપ પર અને ખાસ કરીને ક્ષત્રિય સમાજ પર રૂપાલાના નિવેદનને લઇ આકરા પ્રહાર કર્યા હતા. આ સભામાં પરેશ ધાનાણીએ પટેલ અને બાપુઓને હરખ પદુડા કહ્યાં છે. ગત રાત્રિએ મરછા નગરમાં યોજાયેલ સભામાં ધાનાણીએ વર્ષ 1995 નું ઉદાહરણ આપી કહ્યું કે, ભ્રષ્ટાચાર નાબુદ કરવા આપણે ભાજપનું બી વાવ્યું. પટેલિયાવ અને બાપુએ હરખ પદુડા થઈ દરરોજ ભાજપના બીને 10 ડોલ પાણી પાયું છે. વર્ષ 2015માં અમને ખ્યાલ આવ્યો તો વાહા ફાટી ગયા, બધા સમાજનો વારો આવી ગયો, બાપુ બચ્યા હતા તો હવે ઝપટે ચડ્યા. આમ, ધાનાણીના મુખેથી નીકળેલ પટેલ સમાજ અને બાપુ એટલે ક્ષત્રિય સમાજ માટે હરખ પદુડા શબ્દનો વિવાદ થયો છે. પરેશ ધાનાણી સામે સવાલો થઈ રહ્યાં છે. કોઈ સમાજને હરખ પદુડા કહી વાણી વિલાસ કરવો કેટલો યોગ્ય ?
તો પરેશ ધાનાણીના નિવેદન મામલે ભરત બોઘરાની પ્રતિક્રિયા આવી છે. તેમણે કહ્યું કે, ભય, ભૂખ અને ભ્રષ્ટાચારને દૂર કરવા ભાજપના બીજ વાવ્યા છે. 18 વરણ દ્વારા ભાજપના બીજ વાવ્યા હતા. પટેલો અને બાપુઓએ હરખપદુડા થઈ ભાજપને વટ વૃક્ષ બનાવવા માટે સિંચન કર્યું છે. 2015માં અમારે અખતરો કરવાનો થયો ત્યારે ખબર પડી કે વાસા ફાટી ગયા. અમારી બહેનો દીકરીઓને માર મારવામાં આવ્યો હતો. પટેલો હરખપદુડા નહિ બુધ્ધિશાળી કોમ છે. કોંગ્રેસને પણ પટેલોએ જ સત્તા આપી હતી. પરંતુ ગુંડાગીરી અને દાદાગીરીથી કંટાળીને પટેલો ગુજરાતમાં પરિવર્તન લાવ્યા છે. આજે ગુજરાતના 18 વર્ષ છેલ્લા 28 વર્ષથી ભાજપને સત્તામાં લાવે છે.