અમદાવાદ : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દી અને સગાઓ પાર્કિંગ સ્પેસ શોધવા માટે આમ તેમ ભટકવું નહીં પડે તે માટે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા જનહિતલક્ષી નિર્ણય હાથ ધરવામાં આવ્યો છે. જેમાં સેવામાં કાર્યરત ડ્રાઈવર ત્યાં આવનારા દર્દીના પરિવાર કે સગાંના વાહનને પાર્ક કરી આપશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલની ઓ.પી.ડી. બિલ્ડીંગ અસ્મીતા ભવન ખાતે સવારે 8-30 થી બપોરે 4-30 કલાક સુધી વેલેટ પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ રહેશે. જેના માટે 4 ડ્રાઇવર મિત્રોની નિમણૂંક કરવામાં આવી છે. જરૂર જણાતા વધુ ડ્રાઇવર મિત્રો આ સેવાર્થે કાર્યરત કરવામાં આવશે. વધુમાં પાર્કિંગ પાસે વ્હીલચેર અને ટ્રોલીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
સિવિલ હોસ્પિટલની ઓ.પી.ડી.માં દિવસ દરમિયાન મોટી સંખ્યામાં દર્દીઓનો ધસારો જોવા મળે છે. જેના કારણોસર સ્વજનોને પાર્કિંગમાં અગવડ પડતી હોવાનું ધ્યાને આવતા હોસ્પિટલ તંત્ર દ્વારા ઓ.પી.ડી. બિલ્ડીંગ પાસે વેલેટ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.