અમદાવાદ : અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત કર્યો હોવાનું સામે આવ્યુ છે. અમદાવાદના ઓઢવની વિદ્યાનગર સોસાયટીમાં રહેતા ગજેન્દ્રસિંહ નામના વેપારીએ આત્મહત્યા કરી છે. યુવકે પોતાની ઓફિસમાં જ જીવન ટૂંકાવ્યું છે. જેના પગલે પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો છે.સમગ્ર બનાવ અંગે પરિવારે ફરિયાદ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરીને 2 વ્યાજખોરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસનો ભોગ બનેલા ગજેન્દ્રસિંહ જાડેજાની પત્નીએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, મારા પતિએ ભૂકંપ વખતે ભવરસિંહ દેવીસિંહ ચૌહાણ પાસેથી 10 ટકાના વ્યાજે 10 હજાર રૂપિયા લીધા હતા.જે મુડી કરતા વધુ વ્યાજ વસુલ કર્યુ હોવા છતાં વ્યાજનું પણ વ્યાજ ગણી રુપિયા માંગ્યા હતા. જે વ્યાજના ખપ્પરમાં ફસાઈ ગયેલા વેપારીએ વ્યાજમાંથી છુટવા માટે આત્મહત્યા કરી છે. વેપારી ગજેન્દ્રસિંહ જાડેજાએ સ્યુસાઈડ નોટ લખી તેમની ઓફિસમાં ગળાની અને હાથની નસ કાપી આત્મહત્યા કરી હતી. જે સ્યુસાઈડ નોટના આધારે પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ હેઠળ ગુનો નોંધી બે વ્યાજખોરોની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે આત્મહત્યા કરનાર વેપારીએ વર્ષ 2001માં 10 હજાર રુપિયા 10 ટકાના વ્યાજે ભવંરસિંહ રાજપુત પાસેથી લીધા હતા. તેનું 23 વર્ષ સુધી વ્યાજ ભર્યું છે. જમીન વેચીને પણ 80 હજાર રુપિયા ચુકવ્યા હોવા છતાં વ્યાજખોરોએ વધુ 5 લાખની માંગ કરી 2 લાખમાં સમાધાન કર્યુ હતું. તે 2 લાખ ચુકવવા માટે બીજા વ્યાજખોર અજીતસિંહ ઝાલા પાસેથી 7 ટકાના વ્યાજે રુપિયા લીધા હતા. તેનું પણ વ્યાજ ચુકવ્યા હોવા છતાં વેપારી પાસે મકાન લખાવી લેવાની ધમકી આપતા વેપારીએ આત્મહત્યા કરી છે.