અમદાવાદ : ઓનલાઈન મંગાવેલા ફૂડમાં અવારનવાર જીવાત નીકળતી હોવાના બનાવો સામે આવતા રહ્યા છે, ત્યારે અમદાવાદમાં ઓનલાઇન ફુડ ઓર્ડર આપતા લોકો માટે ફરી એક વાર ચેતવણી જનક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદની એક રેસ્ટોરન્ટમાંથી યુવતીએ પનીર ટિક્કા સેન્ડવીચ ઓનલાઇન ઓર્ડર કરી જેની સામે ચિકન સેન્ડવીચ આપવામાં આવી હતી. યુવતીએ જ્યારે સેન્ડવીચ ખાધી ત્યારે તેને ખબર પડી કે, આ નોનવેજ સેન્ડવીચ આપવામાં આવી છે. જે અંગે યુવતીએ કોર્પોરેશનના હેલ્થ વિભાગમાં લેખિતમાં ફરિયાદ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના સોલામાં રહેતી યુવતીને ઓનલાઇન સેન્ડવીચ મંગાવવામાં કડવો અનુભવ થયો છે. ઓનલાઇન પનીર ટીક્કા સેન્ડવીચ મંગાવી હતી જેની સામે રેસ્ટોરન્ટએ નોનવેજ સેન્ડવીચ મોકલી દીધી. યુવતીએ પિક અપ મિલ્સ બાય થેરા નામની રેસ્ટોરન્ટમાંથી સેન્ડવીચ મંગાવી હતી. નોનવેજ ફૂડ આવતા યુવતીએ આરોગ્ય વિભાગને ફરીયાદ કરી કાર્યવાહી કરવા માંગ કરી છે. સાથો સાથ રેસ્ટોરન્ટને 50 હજારનો દંડ ફટકારવા માંગ કરી છે.
અમદાવાદના સોલામાં રહેતી યુવતીએ જોમેટોના માધ્યમથી એક રેસ્ટોરન્ટમાંથી રૂપિયા 249ના ભાવની પનીર ટીક્કા સેન્ડવીચ મંગાવી હતી. પરંતુ જે બાદ તેમને જ્યારે ઓર્ડર મળ્યો ત્યારે તે બોક્ષ ખોલતા તેમાંથી નોનવેઝ સેન્ડવીચ મળી હતી. સેન્ડવીચ આવી ત્યારે યુવતીને ખબર ના પડી પરંતુ જ્યારે તેણે ખાધી ત્યારે તેને શંકાસ્પદ લાગ્યું હતું. પનીર થોડું કઠણ હોય તેવું લાગ્યું હતું. જેથી યુવતીએ ચેક કર્યું તો તેને ચિકન સેન્ડવીચ આપવામાં આવી હતી. યુવતીએ થોડી સેન્ડવીચ ખાઈ પણ લીધી હતી.જે અંગે યુવતીએ કોર્પોરેશનના હેલ્થ વિભાગમાં લેખિતમાં ફરિયાદ કરી છે.
આ અગાઉ અમદાવાદના શેલામાં વિસ્તારમાં રહેતા જાગૃત યુવાને જાણીતા ક્લબ ઓ-7માં આવેલી ક્યુબ લોન્જ નામની રેસ્ટોરાં સામે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન અમદાવાદમાં રૂ.30 લાખ રૂપિયાનો દાવો માંડ્યો છે. હકીકતમાં વ્યાનધમ ગ્રુપ દ્વારા સંચાલિત આ રેસ્ટોરાંએ ગંભીર બેદરકારી દાખવીને બ્રાહ્મણ પરિવારને નોન-વેજ ખોરાક પિરસીને તેમની ધાર્મિક સંવેદના અને સ્વાસ્થ સાથે ક્રૂર મજાક કરી હતી.