અમદાવાદ : શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલ દુર્ગા વિદ્યાલય પાસેથી બે યુવકો કાર લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે કેટલાંક ગરનાળા પાસે કેટલાક અસામાજીક તત્વોએ ગાડીના બોનેટ પર જોરથી મુક્કો માર્યો હતો, ત્યારબાદ ગાડીના ચાલકે તેમને મુક્કો કેમ માર્યો તેમ સવાલ કરતાં જ હુમલો કરી દીધો હતો. છરીથી નાક અને અન્ય ભાગો પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બધાએ ભેગા થઈને ગાડીમાં રહેલા બે મિત્રોને માર માર્યો હતો. તેની પોલીસ ફરિયાદ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ 21 વર્ષીય પ્રયાગ પટેલે સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, 2 મેના રોજ હું અને મારો મિત્ર દેવ રાઠોડ રાણીપ અમારા મિત્ર વિવેકના બર્થ-ડેમાં ગયા બાદ રાત્રીના મોડેથી ઘરે પરત જવા નીકળ્યા હતા.ચાંદલોડીયાના દુર્ગા સ્કૂલ પાસેના ગરનાળાથી પસાર થતા હતા. તે દરમિયાન ગરનાળાથી થોડે દુર રોડ પાસે કોઈ પાર્લર પાસે છ યુવકો બાઈક પર સવાર બે યુવકોને હેરાન કરી રહ્યા હતા. બાદમાં એ અસામાજીક તત્વોએ અમારી ગાડીના બોનેટ પર જોરથી મુક્કો માર્યો હતો, ત્યારબાદ ગાડીના ચાલકે તેમને મુક્કો કેમ માર્યો તેમ સવાલ કરતાં જ આ સમયે કારને જોતાં જ યુવકો કારમાં સવાર પ્રયાગ અને દેવને ઉતારી ઢોર માર માર્યો હતો. જેમાં એક વ્યક્તિએ પ્રયાગને છરીથી માર મારવાનો પ્રયાસ કર્યો હતો.
બાદમાં તમામ શખસોએ ફરીથી અહીથી પસાર થશો તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી અને ગંદી બિભત્સ ગાળો આપી હતી, ત્યારબાદ અસામાજીક તત્વોએ ગાડીને પથ્થર મારી આગળનો કાચ તોડી નાખ્યો અને આશરે 40 હજારનું નુકસાન કર્યું હતું, ત્યારબાદ બંને મિત્રો જીવ બચાવી ગાડી લઈને ત્યાંથી ભાગી ગયા હતા, આગળ જઈને 108 ને ફોન કરતા ફરિયાદીને લોહી નીકળતાં હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે સોલા હાઈકોર્ટ પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.