અમદાવાદ: લોકશાહીના મહાપર્વમાં વધુમાં વધુ મતદાન થાય તેવી અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ મહાપાલિકા સંચાલિત AMTS દ્વારા મતદાન કરનારાઓને નિશુલ્ક મુસાફરીનો નિર્ણય કરાયો છે.વધુમાં વધુ મતદાન થાય તે માટે AMTS તંત્રએ આ નિર્ણય કર્યો છે.મતદાન કરેલી સહીનું નિશાન બતાવી મુસાફરો નિશુલ્ક મુસાફરી કરી શકશે.
મળતી વિગતો મુજબ,લોકશાહીના આ મહાપર્વમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે AMTS એક મોટો નિર્ણય લીધો છે.આવતીકાલે 7મી મેના રોજ મતદાન છે ત્યારે એક દિવસ માટે મતદાન કરનાર દરેક વ્યક્તિને AMTS નિ:શુલ્ક પ્રવાસ કરાવશે.જેના માટે મતદાન કરનાર વ્યક્તિએ આંગળી પર સહીનું નિશાન બતાવવાનું રહેશે અને જેની આંગળી પર સહીનું નિશાન બતાવશે તે નિ:શુલ્ક પ્રવાસના AMTSના નિર્ણયનો લાભ લઈ શકશે.
લોકો લોકશાહીના મહાપર્વમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે હેતુથી આ નિ:શુલ્ક પ્રવાસનો નિર્ણય લેવામાં આવ્યો છે.મહત્વનું છે કે, આ નિર્ણય 7 મે એટલે કે,આવતીકાલ પૂરતો જ સીમિત છે.જેથી AMTS દ્વારા અપીલ કરવામાં આવી છે કે વધુમાં વધુ મતદાન કરવામાં આવે અને આ તકનો લાભ ઉઠાવવામાં આવે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આવતીકાલે ગુજરાતની લોકસભાની 25 બેઠકો ઉપરાંત વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકોની પેટાચૂંટણીમાં મતદાન થશે. લોકશાહીના આ મહાપર્વમાં આવતીકાલે દિગ્ગજો ગુજરાતમાં મતદાનનો ઉપયોગ કરશે. આવતીકાલે PM મોદી રાણીપમાં સવારે 7.30 વાગ્યે પોતાના મતાધિકારીનો ઉપયોગ કરશે.