અમદાવાદ : અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પશ્ચિમ ભારતમાં હવાઈ માર્ગ માટે સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. દેશ અને દુનિયાની અનેક ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટથી ડાયરેક્ટ કનેક્ટિવિટી ધરાવે છે. ત્યારે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી અન્ય દેશમાં અને ભારતનાં અન્ય રાજ્યોમાં જવા ઈચ્છતા મોટાભાગના લોકોને અમદાવાદ એરપોર્ટ ખાતેથી મુસાફરી કરવાની હોય છે. ત્યારે વડોદરાથી અમદાવાદ એરપોર્ટ સુધી ઇન્ટર સિટી બસ સેવા શરૂ કરવામાં આવી રહી છે. GSRTCની આ પહેલ ઇન્ટરનેશનલ પ્રવાસ કરતા મુસાફરોને તથા બિઝનેસ ટ્રિપ પર જતા મુસાફરો માટે ખાસ ઉપયોગી બનશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ એરપોર્ટ પરથી સુરત બાદ હવે વડોદરા નવી બસની શરુઆત કરવામાં આવી છે. સુરત ST બસની વોલવો સેવા સફળ થતાં હવે વડોદરાના મુસાફરો માટે પણ આ સેવા એરપોર્ટ પરથી શરુ કરવામાં આવી છે. ગુરુવારથી આ સેવા એરપોર્ટથી શરુ કરવામાં આવશે. અમદાવાદ એરપોર્ટથી વડોદરા સુધી દરરોજ બે વખત GSRTCની બસ દોડશે. એટલે કે દરરોજ ચાર બસ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી વડોદરા વચ્ચે અવરજવર કરશે. વડોદરાની સફળતા બાદ ઉદયપુર અને ભુજ જેવા શહેરો માટે પણ શરુ કરવામાં આવશે.આ સુવિધાજનક સેવા વ્યસ્ત પ્રવાસીઓ માટે ખાસ છે. બિઝનેસ પ્રોફેશનલ્સ તેમના સમયનો મહત્તમ ઉપયોગ કરી શકે છે.
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી સવારે 6 વાગ્યે GSRTCની બસ વડોદરા પહોંચવા માટે રવાના થશે જે સવારે 8:30 કલાકે વડોદરા પહોંચશે. જ્યારે બીજી બસ રાત્રે 11:30 કલાકે અમદાવાદ એરપોર્ટથી રવાના થઈને મોડી રાત્રે 1:30 કલાકે વડોદરા પહોંચશે. આ રીતે વડોદરાથી બપોરે 3:15 કે બસ અમદાવાદ એરપોર્ટ આવવા રવાના થશે, જે સાંજે 5:45 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચે છે. જ્યારે અન્ય બસ સાંજે 7:30 કલાકે વડોદરાથી રવાના થઈને રાત્રે 10 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે.
આ બસ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે. જેમાં ઓનબોર્ડ મનોરંજન અને ચાર્જિંગ સુવિધાઓ, એર કંડીશન વોલ્વો બસ રહેશે. દિવસમાં બે વખત અમદાવાદ એરપોર્ટ પર અને બે વખત વડોદરા જશે. તેથી દરેક મુસાફર પોતાના સમયે ફ્લાઇટ પકડી શકશે. આ બસનું સમયપત્રક ફ્લાઇટ અને સમયની અનુકુળતા મુજબ તૈયાર કરવામાં આવશે. આ બસનો ઉપયોગ કરનાર મુસાફરો GSRTCની વેબસાઇટ અથવા ઉપરાંત વિવિધ ટ્રાવેલ પોર્ટલ દ્વારા સીટ ઓનલાઇન બુક કરાવી શકશે.
વડોદરા એરપોર્ટ અમદાવાદ એરપોર્ટની સરખામણીએ દેશ-વિદેશ સાથે ઓછી કનેક્ટિવિટી ધરાવે છે. તેથી ત્યાંના રહેવાસીઓએ કોઈ નિશ્ચિત સ્થળ પર પહોંચવા માટે અમદાવાદ એરપોર્ટ આવવું પડતું હોય છે. જો આ બસનો ઉપયોગ કરવામાં આવે તો વડોદરાથી અન્ય કોઈ સાધન બદલવામાં સમય વેડફ્યા વગર સીધા અમદાવાદ એરપોર્ટ પહોંચી શકે છે.
આ લોન્ચિંગ સમગ્ર ગુજરાતમાં મુખ્ય સ્થળોને GSRTCના વિશ્વસનીય નેટવર્ક સાથે જોડતા કેન્દ્રીય હબ બનવાના SVPIના વિઝનને મજબૂત બનાવે છે. ફેબ્રુઆરી 2024માં રાજકોટ માટે સીધી બસ સેવાની સફળ શરૂઆત બાદ નેટવર્ક ટૂંક સમયમાં ઉદયપુર અને ભુજ જેવા મોટા શહેરોમાં વિસ્તરશે. આ પરિવર્તન અમદાવાદ એરપોર્ટને ગુજરાતની વૈવિધ્યસભર સુંદરતાનું અન્વેષણ કરવા માટેના સાચા પ્રવેશદ્વાર તરીકે સ્થાન આપે છે.