અમદાવાદ : અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાંથી ખાણી પીણીની વસ્તુઓમાં જીવાત નીકળવાની ઘટનાઓ અવાર-નવાર સામે આવતી રહે છે.. મોટાભાગના કિસ્સાઓમાં ગ્રાહકો ફરીયાદ કરવાનું ટાળતા હોય છે.. પરંતુ જો ગ્રાહક જાગૃત થઇ ફરીયાદ કરે તો તે પોતાની સાથે-સાથે અન્ય લોકોના સ્વાસ્થ્યના પણ હિતમાં હોય છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના પૂર્વના ગોમતીપુરમાં રાજપુર ટોલનાકા પાસે આવેલી જન્નત બેકરીમાંથી ત્રણ વર્ષની બાળકીએ ખારી ખરીદી હતી. જે ખારી ખાતા તેમાં કીડીઓ નીકળી હતી. કીડીઓ ચોટી જવાના કારણે બાળકીને મોઢે કીડીઓ કરડી ગઈ હતી અને તેને હોઠ ઉપર સોજો આવી ગયો હતો.આ અંગે તુરંત આરોગ્ય વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો.જે બાદ આરોગ્ય વિભાગના કર્મચારીઓ બેકરીની દુકાન પર પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી.
આ મામલે તાત્કાલિક ધોરણે ફૂડ વિભાગની ટીમ દ્વારા જન્નત બેકરીમાં તપાસ કરવામાં આવી હતી, જેમાં યોગ્ય સાફ-સફાઈ નહોતી અને ગંદકી પણ જણાઈ હતી. ખારી પ્લેટ નીચે મૂકેલી હતી અને કોટા સ્ટોન પણ લગાવેલો નહોતો. જેથી તાત્કાલિક ધોરણે આ મામલે બેકરીને નોટિસ આપી અને સીલ કરવામાં આવી હતી. જ્યાં સુધી મંજૂરી ના આપવામાં આવે ત્યાં સુધી આ સ્ટીલ ખોલવામાં નહીં આવે.