અમદાવાદ : અમદાવાદમાં ગરમી 45 ડિગ્રી સુધી પહોંચી છે. જેથી હીટવેવને લઈને અમદાવાદ ગ્રામ્ય અને શહેર DEO દ્વારા તમામ સ્કૂલોમાં આચાર્યને પત્ર લખીને આદેશ કર્યો છે કે, ગરમીના કારણે વહીવટી કામગીરી અને વિદ્યાર્થીઓને માર્કશીટ વિતરણ તથા અન્ય કામગીરી સવારે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી પૂર્ણ કરવામાં આવશે. DEO કચેરીની કામગીરી માટે રૂબરૂ આવવાની જગ્યાએ ઇ-મેલ અથવા વોટ્સએપ આધારે સંકલન કરવાનું રહેશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ શહેર DEOએ તમામ આચાર્યને આદેશ કર્યો છે કે, DEO કચેરી દ્વારા વર્ગ ઘટાડાની સુનાવણી તથા વિવિધ સ્કૂલો દ્વારા જે પણ રૂબરૂ સુનાવણીની અગાઉ તારીખ ફાળવેલ હોય તે તમામ તેમજ તાલીમ કાર્યક્રમ હાલ પૂરતા બીજી સૂચના આપવામાં આવે ત્યાં સુધી મોકૂફ રાખવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને પરિણામ વિતરણની કામગીરી, પ્રવેશની કામગીરી કે અન્ય કામગીરી શક્ય હોય તો સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા દરમિયાન કરવાની રહેશે. સ્કૂલ દ્વારા DEO કચેરીની કોઈપણ કામગીરી હોય તો રૂબરૂ મુલાકાતને બદલે ઈમેલ અથવા વોટસએપ દ્વારા કરવાની રહેશે.
ગ્રામ્ય DEOએ પણ તમામ આચાર્યને આદેશ કર્યો છે કે, 5 દિવસની હીટવેવની આગાહી છે. તેના સમયગાળા દરમિયાન સ્કૂલના આચાર્ય અને વહીવટી કર્મચારીઓનું સ્વાસ્થ્ય જળવાય રહે તે માટે પરિણામ વિતરણ, પ્રવેશ તથા અન્ય વહીવટી કામગીરી સવારે 7થી 10 વાગ્યાના સમયગાળામાં પૂર્ણ થાય તે પ્રકારનું આયોજન કરવાનું રહેશે. આ ઉપરાંત DEO કચેરીની કામગીરી પણ શક્ય હોય તો રૂબરૂ મુલાકાતને બદલે ઈમેલ અથવા ટેલિફોનીક માધ્યમથી સંકલન કરી પૂર્ણ કરવાની રહેશે.


