અમદાવાદ : અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં 132 ફૂટ રીંગ રોડ પર 25 કરોડના ખર્ચે 7 માળનું ઉંચુ ભાવસાર સમાજના સૌથી મોટા ભવનનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ ભવનને તૈયાર કરવામાં માટે દોઢ વર્ષ જેટલો સમય લાગશે.છેલ્લા એક વર્ષમાં સમાજના અગ્રણીઓ પાસેથી 5 કરોડનું દાન એકત્રિત કરવામાં આવ્યું છે.
એક રિપોર્ટ મુજબ ગુજરાત ભાવસાર સમાજના પ્રમુખ ગિરીશ ભાવસારના જણાવ્યા અનુસાર 25 વર્ષ પહેલાં ભાવસાર સમાજનું ભવન તૈયાર કરવામાં આવ્યું હતું, ભવન નાનું પડતું હોવાના કારણે સમાજના ટ્રસ્ટીઓ નક્કી કર્યું કે નવીન ભવનનું નિર્માણ કરવામાં આવે જેથી 65 કરોડના ખર્ચે નવીન ભવન તૈયાર કરવાનું શરૂ કર્યું છે. સાથે સાથે ભવનનો વિસ્તાર વધારવા માટે સરકાર પાસેથી 2.5 કરોડના 4300 વારની જગ્યા ખરીદીને રાજ્યનું ભવસાર સમાજનું સૌથી મોટું ભવન તૈયાર કરવામાં આવશે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભાવસાર સમાજના અગ્રણીઓ દ્વારા વધુ 20 કરોડ દાન એકત્રિત કરવામાં આવશે. ગત શનિવારે નવા વાડજ ખાતે ભાવસાર સમાજના ભવનનું ક્ળશ પૂજા-ઘટ સ્થાપના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત સાત માળના ભવનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર સમાજને ઉપયોગી હોલ તૈયાર કરવામાં આવશે.1 હજાર ફૂટ વિસ્તારમાં મહિલા ઉત્કર્ષ કેન્દ્ર શરૂ કરવામાં આવશે. 4300 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં આરોગ્ય કેન્દ્રનું પણ નિર્માણ કરવામાં આવશે. ત્રીજાથી ચોથા ફ્લોર પર કન્યા છાત્રાલય તૈયાર કરવામાં આવશે. રાજ્યભરમાં વિવિધ જગ્યા વસતા ભાવસાર સમાજના વિદ્યાર્થી આ ભવનનો લાભ લઈ શકશે.