અમદાવાદ : 23 મે 2024 અને ગુરુવારે દેશભરમાં બુદ્ધ પૂર્ણિમા ઉજવાઈ રહી છે. ત્યારે આ પવિત્ર દિવસે અમદાવાદમાં પણ ભીમ સંગઠન દ્વારા બુદ્ધપૂર્ણિમાની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. નરોડા પાટિયા પાસે આવેલ વિવિધ સમાજસેવા માટે જાણીતું ભીમ સંગઠન દ્વારા રિવરફ્રન્ટની બુદ્ધ ભગવાનની પ્રતિમાને સ્નાન કરાવી તેમનું પૂજન કર્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદમાં નરોડા પાટીયા પાસે આવેલ ભીમ સંગઠન તેમની વિવિધ સમાજસેવાની પ્રવૃત્તિઓ માટે જાણીતું છે..આજે બુદ્ધપૂર્ણિમાના પાવન દિવસે ભીમસંગઠને શાહીબાગ ડફનાળા પાસે આવેલ રિવરફ્રન્ટની બુદ્ધ ભગવાનની પ્રતિમાને સ્નાન કરાવી તેમનું પૂજન કર્યું હતું. આવતા જતા રાહદારીઓ રોજે રોજ આ પાવન શાંતમુદ્રામાં લીન બુદ્ધ ભગવાનના દર્શન કરે ત્યારે દર્શનની એ શ્રદ્ધા મૂર્તિના પવિત્રકરણ સાથે થાય તો ભાવકને પૂર્ણ સંતોષ મળે, એ ઉદેશ્ય અને સાથે સાથે શહેરની નાની મોટા ધાર્મિક સ્મારકોને સુઘડ અને સ્વચ્છ રાખવાની ભાવના માટે ભીમ સંગઠનને આ ભગીરથ કાર્ય પાર પાડ્યું હતું.
ભીમ સંગઠનના સભ્યો નરેશભાઈ, જગદીશભાઈ, દિનેશભાઇ તથા અજીતભાઈના જણાવ્યા મુજબ નરોડા પાટિયા પાસે ડો. ભીમરાવ આંબેડકરની પ્રતિમાનું સ્થાપન પણ અમારા સંગઠને કરેલ છે..અને આ સાથે ઉનાળામાં પાણીની પરબ હોય, પક્ષીઓ માટે ચણ – પાણીના કુંડાનું વિતરણ હોય, તદુપરાંત જ્યાં પણ કોઈ સામાજિક કે ધાર્મિક પ્રસંગે અમારી જરૂર જણાય અમારું સંગઠન તન, મન અને ધનથી સેવામાં જોડાય છે.જો દરેક વિસ્તારમાં આવા જાગૃત સંગઠન કાર્યરત હોય તો સમાજ અને દેશનું ભાવિ યોગ્ય હાથમાં છે કહેવું યથા યોગ્ય છે.
કહેવાય છે કે દેશમાં આજે મહત્તમ યુવાધન છે, બસ જરૂર છે એને યોગ્ય દિશા મળે.. આવી ઉન્નત ભાવનાને સાકાર કરનાર એક યુવા સંગઠનનું ઉત્તમ કાર્ય આજે બુદ્ધપૂર્ણિમાએ જોવા મળ્યું.