અમદાવાદ : રાજકોટમાં શનિવારે TRP ગેમ ઝોનમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 24 લોકોના મોત થયા છે. આગના કારણે ધુમાડાના ગોટેગોટા પાંચ કિલોમીટર દૂર સુધી ફેલાયા હતા. મૃતકોમાં ઘણા બાળકો હોવાની આશંકા છે.સ્થાનિક રહેવાસીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 12થી વધુ બાળકો અને તેમના માતા પિતા ગેમિંગ ઝોનની અંદર ફસાયેલા હતા. ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તેમાંના ઘણાને સફળતાપૂર્વક બચાવ્યા હતા.
રાજ્યમાં બનેલી ગંભીર ઘટનાને ધ્યાનમાં લઈને સરકારની સૂચના મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલા તમામ ગેમ ઝોનમાં ચેકિંગ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ગેમીંગ ઝોનમાં તપાસ કરશે. આવતીકાલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તપાસ હાથ ધરશે. ફાયરબ્રિગેડ, એસ્ટેટ સહીતના અધિકારીઓ તપાસ કરશે. રાજકોટમાં ગેમિંગઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્યભરના તમામ ગેમિંગ ઝોન બંધ કરવાનો આદેશ આપ્યો છે.
શહેરમાં આવેલા તમામ ગેમિંગ ઝોનમાં ચેકિંગ કરવા માટે સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે. ફાયર બ્રિગેડ, ઈલેક્ટ્રીક, સિવિલ એન્જિનીયરિંગ, એસ્ટેટ-ટીડીઓ વિભાગના અધિકારીઓ અને સ્ટાફ સહિતની ટીમ દ્વારા તમામ પ્રકારના પાસાંઓને ધ્યાનમાં લઈને ચકાસણી કરવામાં આવશે. AMC દ્વારા સુરક્ષા સંબંધિત તમામ પાસાંઓનું ચેકિંગ કરવા સહિતની કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી કોઈપણ સ્થળે ગેમઝોન ચાલુ કરવા દેવામાં આવશે નહીં.
એક રિપોર્ટ મુજબ અમદાવાદમાં સિંધુ ભવન ખાતે આવેલ ફન બ્લાસ્ટને બંધ કરાયું છે. જેમાં ફન બ્લાસ્ટમાં આવેલા લોકોને એનાઉન્સમેન્ટ કરીને લોકોને ફન બ્લાસ્ટને છોડવા માટે વિનંતી કરી હતી. આ સાથે ફાયર બ્રિગેડની ટીમને દરેક ગેમઝોનના ચેકિંગ કરવા માટે આવશે. આ સાથે આગામી સૂચના સુધી તમામ ગેમઝોન બંધ કરવા આદેશ આપવામાં આવ્યા છે.