અમદાવાદ : અમદાવાદ હૉસ્પિટલ્સ ઍન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન દ્વારા (AHNA) ફોર્મ ‘સી’ રિન્યુઅલ ન થવાના મુદ્દે (અમદાવાદની 450 હૉસ્પિટલો અને નર્સિંગ હોમની નોંધણી અંતર્ગત) અન્યાયના વિરોધમાં તારીખ 14 અને 15 મે, 2022ના રોજ અમદાવાદની તમામ હૉસ્પિટલો અને નર્સિંગ હોમ નિયમિત પ્રવેશ, ઓ.પી.ડી. સેવાઓ અને પ્લાન કરેલી સર્જરી પ્રક્રિયાઓ બંધ રહેશે તેમ પોતાની એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફોર્મ-સી રજીસ્ટ્રેશન ન થતા અમદાવાદ શહેરમાં 450 હોસ્પિટલના રજીસ્ટ્રેશન અટક્યા છે. BU પરમિશન મામલે હોસ્પિટલઓના સી ફોર્મ રજિસ્ટ્રેશન અટવાયા છે. જેના પગલે આહના (AHNA) દ્વારા તાત્કાલિક બીયુ વગર અન્ય શરતોના પાલન સાથે સી-ફોર્મનું રજીસ્ટ્રેશન કરી આપવામાં આવે તેવી માંગ કરી છે.
AHNA દ્વારા 14મી મે, 2022ના રોજ સવારે 8:૩૦ વાગ્યે વલ્લભ સદન, આશ્રમ રોડ ખાતેથી એક વિશાળ રેલી અને ધરણાનું આયોજન કર્યું છે, જેમાં ડૉકટરો, હૉસ્પિટલોના કર્મચારીઓ, દર્દીઓ, સંબંધીઓ અને શુભેચ્છકો મોટી સંખ્યામાં જોડાશે. 15મી મે, 2022ના રોજ વલ્લભ સદન, આશ્રમ રોડ ખાતે સવારે 9 થી 12 દરમિયાન રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.