અમદાવાદ : અમદાવાદના નારણપુરા વિસ્તારમાં થોડા દિવસ પહેલા થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે.પોલીસે ચોરી કરનાર બે આરોપીની ધરપકડ કરી 15 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે બે રીઢા આરોપીઓની ધરપકડ કરી છે.આરોપીને કોર્ટમા રજૂ કરી બે દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.જ્યારે વધુ એક ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના નારણપુરામાં ડી.કે.પટેલ હોલની બાજુમાં આવેલી ફ્રેન્ડ્સ કોલોનીના એક બંગલામાંથી ધોળે દિવસે 400 ગ્રામ વજનના સોનાના દાગીના, 1 કિલો ચાંદી અને રોકડ મળીને કુલ રૂ.24.95 લાખની ચોરી થઈ હતી. ફ્રેન્ડ્સ કોલોનીમાં રહેતાં ચાર્મીબહેન પટેલે નોંધાવેલી પોલીસ ફરિયાદ અનુસાર 28 મે સવારે 10.30 વાગ્યે ચાર્મીબહેન ઘરેથી ડ્રાયવર શૈલેષભાઈ દેસાઈ સાથે ગાડીમાં દુકાને ગયા હતા. ત્યાર બાદ બપોરે 1 વાગ્યે શૈલેષભાઈ હંસાબહેનને દુકાને લેવા ઘરે ગયા હતા. સાંજે 7 વાગ્યે ચાર્મીબહેન અને હંસાબહેન ઘરે ગયા હતા અને બેડરૂમમાં જઈને જોયું તો તિજોરી-કબાટમાંથી 400 ગ્રામ વજનના દાગીના, 1 કિલો ચાંદીના દાગીના અને રોકડા 25 હજાર મળી રૂ.24.95 લાખની મત્તાની ચોરી થઇ હતી. આ ઘટનામાં પોલીસે 15.58 લાખના મુદ્દામાલ સાથે 48 ગુનાઓ આચરેલા આરોપીઓને ઝડપી પાડ્યાં છે.
ઘરમાં રહેલી તિજોરી અને કબાટમાંથી સોનાના દાગીના, ચાંદીના વાસણો, ચાંદીના સિક્કા અને રોકડ રૂપિયા સહિત કુલ 25 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી. ભોગ બનનારની ફરિયાદને આધારે ઝોન વન એલસીબી અને નારણપુરા પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે.ત્યાર બાદ આરોપીને કોર્ટમા રજૂ કરી બે દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.