અમદાવાદ : લોકસભા ચૂંટણી બાદ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં ભાજપના સાંસદ સભ્યો, ધારાસભ્યો અને કલેક્ટર હાજર રહ્યા હતા. જેમાં ભાજપના જ બે ધારાસભ્ય અમિત શાહ અને કૌશિક જૈન દ્વારા શહેરમાં શાકાહારી વિસ્તારોમાં ગેરકાયદે રીતે ઊભી થયેલી નોનવેજ અને ઈંડાની લારીઓને સામે રજૂઆત કરવામાં આવી હતી.
આ સંકલન સમિતિની બેઠકમાં ભાજપના ધારાસભ્યોએ શહેરમાં વિવિધ વિસ્તારોમાં નોનવેજની લારીઓ અને દુકાનોને લઈ સવાલો ઊભા કર્યા હતા. જે વિસ્તારમાં શાકાહારી લોકો રહે છે ત્યાં નોનવેજ- ઈંડાની લારીઓ અને દુકાનો ખુલી ગઈ છે. જેને બંધ કરાવવાની રજૂઆત ભાજપના એલિસબ્રિજના ધારાસભ્યને શહેર પ્રમુખ અમિત શાહ તેમજ દરીયાપુરના ધારાસભ્ય કૌશિક જૈને કરી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગ દ્વારા જ્યારે આવી દુકાનો લારીઓને લાયસન્સ આપવામાં આવે છે, તેની ઓનલાઈન પ્રક્રિયા હોય છે જેમાં કોઈ સ્થળ તપાસ કરવામાં આવતી નથી. જે વિસ્તારમાં નોનવેજ ખાતા લોકો રહેતા હોય ત્યાં કોઈ વાંધો નથી પરંતુ, શાકાહારી લોકો જ્યાં રહેતા હોય ત્યાં આવી લારીઓ અને દુકાનોને પરમિશન આપવી જોઈએ નહીં.
આ સાથે સાથે અમિત શાહે રજૂઆત કરી કે આંબાવાડી તેમજ પાલડી જેવા જૈન વિસ્તારોમાં પણ આ પ્રકારે લારીઓ જોવા મળી રહી છે. તો કૌશિક જૈને રજૂઆત કરી કે જે જગ્યાઓ ઉપર મંદિરો આવેલા છે તેની જ આસપાસમાં આ પ્રકારે લારીઓ અને દુકાનો શરૂ થઈ ચૂકી છે. જે શરૂ ન થાય તેનું પણ ધ્યાન રાખવા તેમના દ્વારા સૂચન કરવાનું કહેવામાં આવ્યું છે. જો ત્રણ કે તેથી વધુ વખત આ પ્રકારેની લારીઓ જોવા મળે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની રજૂઆત પણ ધારાસભ્ય કૌશિક જૈન દ્વારા કરવામાં આવી છે.