અમદાવાદ : અમદાવાદમાં રથયાત્રાને ગણતરીના દિવસો બાકી છે આ પહેલા જ ડબલ મર્ડરનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. શહેરના ગોમતીપુર વિસ્તારમાં મોડી રાત્રે 2 યુવકોની તલવારના ઘા મારીને જાહેરમાં જ હત્યા કરવાનો બનાવ બન્યો છે. ગુનામાં સામેલ એક આરોપીને હાલમાં પોલીસે ઝડપી લીધો છે અને અન્ય એકને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના ગોમતીપુર વિસ્તારમાં હાથીખાઈ ગાર્ડન પાસેના વિસ્તારમાં પાનના ગલ્લા પાસે તલવારના ઘા મારીને મોહમ્મદ આમિર ઉર્ફે ભાંજો અને સબરેજ પઠાણની ઘાતકી હત્યા કરવામાં આવી છે. આ કેસમાં ગોમતીપુર પોલીસે સમીર અને કમિલ નામના બે આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે અને એક આરોપીને ઝડપી પણ લીધો છે.મરનાર લોકો ડ્રગ્સ અને દારૂ પીને ખંડણી વસૂલતા હોવાનો આરોપ લગાવવામા આવ્યો છે.એડિશનલ સી.પી ક્રાઈમ બ્રાન્ચ, ડીસીપી ક્રાઈમ બ્રાન્ચ તથા એસીપી સહિતના અધિકારીઓ ગોમતીપુર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા.
પોલીસને જણાવ્યા મુજબ, ઈદના દિવસે મૃતક આમીર ભાંજો પાનના ગલ્લા પર આવ્યો હતો અને પૈસાની માગણી કરી હતી. પૈસા ન મળતા ગલ્લામાં હાથ નાખીને 1700 જેટલા રૂપિયા પડાવી લીધા હતા. જેની અદાવત રાખીને આરોપીએ સમાધાન કરવા માટે સમીર ભાંજાને બોલાવ્યા હતા. આથી ટુ-વ્હીલર પર 6 લોકો તલવાર લઈને આવ્યા હતા. જોકે સમાધાન થયું નહીં અને બોલાચાલી બાદ ઝઘડો થયો હતો.
જે બાદ આરોપીએ યુવકોનો પીછો કર્યો હતો અને મૃતકની તલવાર ઝૂંટવીને તેના પર જ હુમલો કરવામાં આવ્યો હતો અને તેની ઘાતકી હત્યા કરી નાખી. આ અંગે FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ છે.