અમદાવાદ : અમદાવાદ શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને પોલીસ 22 જૂનથી રોંગ સાઇડમાં વાહન ચલાવતા લોકો સામે વિશેષ ઝુંબેશ શરૂ કરી રહી છે. અમદાવાદમાં આગામી 10 દિવસ સુધી ચાલનારી આ ઝુંબેશમાં રોંગ સાઇડમાં વાહન ચલાવનારા લોકોને સજા કરવાને બદલે તેમની સામે કેસ નોંધવામાં આવશે.
અમદાવાદ શહેરમાં રોંગસાઈડ વાહન ચલાવવાને કારણે વાહન અકસ્માતમાં ગંભીર પ્રાણઘાતક ઘટનાઓ સામે આવતી હોય છે અને અકસ્માતોમાં મૃત્યુદર અને ગંભીર ઈજાની ઘટનાઓ પણ બને છે. જેથી અમદાવાગ શહેરમાં રોડ અકસ્માતમાં ઘટાડો લાવવા તેમજ ટ્રાફિક નિયમનોની સુયોગ્ય અમલવારી કરાવવા આ અંગેની ડ્રાઈવ રાખવી જરૂરી બનતા અમદાવાદ શહેરમાં રોંગ સાઈડ વાહન ચલાવતા વાહન ચાલકો સામે વધુમાં વધુ કેસો કરવા અંગેની ડ્રાઈવ તારીખ 22/06/2024થી 30/06/2024 સુધી સમગ્ર શહેરમાં રાખવામાં આવી છે.
રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરનાર વિરુદ્ધ કેસો કરવાની કામગીરી ઉક્ત સમયગાળા બાદ પણ ચાલું રહેનાર છે. આ ડ્રાઈવ દરમિયાન રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરનાર વિરુદ્ધ IPC-279 તથા MV Act-184 મુજબ FIR પોલીસ વિભાગ દ્વારા દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે શહેરમાં અકસ્માતોના બનાવ ઘટાડવા માટે ડ્રાઈવ યોજવામાં આવશે. આ ડ્રાઈવ શહેરના એસ.જી. હાઈવે સહિતના મોટા રસ્તાઓથી શરૂ કરવામાં આવશે. ત્યારબાદ અંદરના રસ્તાઓ પર પણ ડ્રાઈવ યોજાશે. ડ્રાઈવ દરમિયાન વાહનચાલકોને દંડવાની જગ્યાએ કેસ કરવામાં આવશે. વાહનચાલકોએ પોલીસ સ્ટેશનમાંથી જામીન લેવા પડશે.