અમદાવાદ : અમદાવાદમાં મોડી રાત્રે ધોરમાર વરસાદ થયો છે. આ દરમિયાન અનેક જગ્યાએ પાણી ભરાયા હોવાની ઘટનાઓ સામે આવી હતી. પરંતુ આ દરમિયાન એક આગની ઘટના સામે આવી છે. વિગતે વાત કરવામાં આવે તો, અમદાવાદની ઈલેક્ટ્રીક BRTS બસમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, ગતરાત્રે ત્રણ ઈલેક્ટ્રીક બસમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. મળતી વિગતો પ્રમાણે ચાલુ વરસાદમાં ઇલેક્ટ્રિક બસમાં આગ લાગી હોવાની ઘટના બની છે. મળતી વિગતો પ્રમાણે વસ્ત્રાલના જાડેશ્વર બસ ડેપોમાં આ ઘટના બની છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરમાં મોડી રાત્રે વરસાદના પગલે ફાયર બ્રિગેડને આગ લાગવાના નાના-મોટા આઠથી વધુ કોલ મળ્યા હતા. જેમાં શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં જડેશ્વર વન પાસે મ્યુનિસિપલ કોર્પોરેશનની ઇલેક્ટ્રીક બસનું ચાર્જિંગ સ્ટેશન આવેલું છે. જે ચાર્જિંગ સ્ટેશનમાં મોડી રાત્રે એક ઇલેક્ટ્રીક બસમાં કોઈ કારણોસર આગ લાગી હતી. બસમાં લાગેલી આગ ધીમે-ધીમે આગળ વધી અને આસપાસમાં ઉભેલી બે જેટલી બસને પણ ઝપેટમાં લઈ લેતા સળગી ઊઠી હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આગને કાબુમાં લીધી હતી. ઈલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ જાણવા મળ્યું છે.નોંધનીય છે કે, બસ ડેપોમાં પાર્ક હોવાથી મોટી દુર્ઘટના ટળી ગઈ છે. તંત્ર દ્વારા સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.