અમદાવાદ : શહેરના નારણપુરા વિસ્તારમાં વરદાન ટાવર પાસે આવેલી 20.39 એકર જમીનમાં રૂ.631.77 કરોડના ખર્ચે બનનારા વિશ્વકક્ષાના ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું 29મી મેના રોજ સાંજે 4 વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે રૂ.560 કરોડથી વધુના ખર્ચે બનનારા આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કેન્દ્રીય ગૃહમંત્રીને હસ્તે 29મી મેના રોજ ખાતમુહૂર્ત કરવામાં આવશે. 300 લોકો રહી શકે એવી વ્યવસ્થા, સ્વિમિંગ પૂલ વગેરે બનાવવામાં આવશે.
આજે સવારે નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના ખાતમુહૂર્તની તૈયારીઓની સમીક્ષાને લઈ ભાજપના પ્રદેશ મહામંત્રી દીપસિંહ વાઘેલા શહેર પ્રમુખ અમિત શાહ, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, વિવિધ કમિટીઓના ચેરમેન સ્થાનિક કાઉન્સિલરો અને શહેર સંગઠનના પદાધિકારીઓએ મુલાકાત લીધી હતી.
આખા પ્રોજેકટને 6 ભાગમાં વહેંચવામાં આવ્યો છે, જેમાં એક્વાટિક કોમ્પ્લેક્સ, કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર, સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સેલન્સ, ઇન્ડોર મલ્ટી સ્પોર્ટ્સ એરેના, ફિટ ઇન્ડિયા ઝોન અને આઉટડોર સ્પોર્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં કુલ 4 બિલ્ડિંગ અને 6 ગેટ રહેશે. 850 ટૂ-વ્હીલર અને 800 ફોર-વ્હીલર પાર્ક થઈ શકે એવું પાર્કિગ બનાવાશે. ખેલાડીઓ અને પ્રેક્ષકોને ટ્રાન્સપોર્ટેશનની સરળ વ્યવસ્થા રહે એના માટે શહેરની વચ્ચે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે.