અમદાવાદઃ શહેરના SP રિંગરોડ પર ભયાનક અકસ્માત થયા હોવાની ઘટના સામે આવી છે. મોડી રાત્રે ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચે ટક્કર થતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ ત્રણ લોકોના મોત થયાના થયાના સમાચાર છે. મહત્વનું છે કે, ફોર્ચ્યુનર કારમાંથી મોટા પ્રમાણમાં બિયરના ટીન અને દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો છે. ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચે થયેલા આ અકસ્માતમાં બંને વાહનો સંપૂર્ણપણે નષ્ટ થયા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ આજે સવારે પાંચ વાગ્યે શહેરના SP રિંગરોડ પર ભયાનક અકસ્માતમાં બુટલેગરની કારના કારણે ત્રણ લોકોના મોત નીપજ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. બુટલેગરની ફોર્ચ્યુનર કારમાં દારૂ ભર્યો હતો, જે વૈષ્ણોદેવીથી બોપલ તરફ જઈ રહી હતી, ત્યારે રાજપથ ક્લબના વળાંક બાજુ એક થાર કારે યુટર્ન મારતા તે જોરથી ટકરાઈ હતી અને કાર અકસ્માતના સ્થળથી 150 ફૂટ દૂર ફેંકાઈ હતી, જેમાં થારમાં બેઠેલા બે લોકોના મોત નીપજ્યા છે, જ્યારે ફોર્ચ્યુનર કાર ઢસડાઈને 300 મીટર દૂર સુધી ફેંકાઈ હતી, જેમાં દારૂ ભર્યો હતો. તેમાં પણ બેઠેલા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.
આ ગંભીર ઘટનાનાને પગલે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ચુકી છે અને તપાસ હાથ ધરી છે.આ અકસ્માત કેવી રીતે થયો તેની હજુ કારણ સામે આવ્યું નથી. જણાવી દઈએ કે, આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે જયારે કાર ચાલકને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે.અકસ્માતના દ્રશ્યો જોતા દેખાય છે કે બંને ગાડીઓની સ્પીડ ઘણી વધારે હશે અને ખુબ જ જોરદાર ટક્કર થઈ હશે. અકસ્માત એટલો ભયાનક છે કે બંને ગાડીનો કુરચો બોલી ગયો છે.
એક તરફ ગુજરાતમાં દારૂબંધી ની વાતો થઈ રહી છે ત્યારે ફરી એકવાર અકસ્માતની ઘટનામાં કારમાંથી મોટી માત્રામાં મળી આવેલ દારૂ અને બિયરની બોટલો પોલીસની કામગીરીઓ ઉપર સવાલ ઊભા કરી રહી છે. ગુજરાતમાં દારૂબંધી છે તો પછી આટલી મોટી માત્રામાં દારૂની હેરાફેરી કેવી રીતે શક્ય બને તે પણ સવાલો પોલીસ સામે ઊભા થઈ રહ્યા છે.