અમદાવાદ : શહેરના નિર્ણયનગરમાં રૂ.9 કરોડના ખર્ચે આધુનિક “ગ્રંથ મંદિર” (વાંચનાલય)નું શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે સાબરમતીના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, પૂર્વ મેયર ગૌતમ શાહ સહીત સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
નિર્ણયનગર વિસ્તારમાં વાંચનાલયનું લોકાર્પણ પ્રસંગે સૌ પ્રથમ મંત્રીએ ભવનના નિર્માણ માટે પાઠ્ય પુસ્તક મંડળને શુભેચ્છા આપી હતી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો તેમજ અન્ય વાંચક વર્ગ શાંતિપૂર્ણ વાતાવરણમાં વાંચન કરી શકે તેવા ઉમદા હેતુથી આ અદ્યતન સુવિધાઓથી સજ્જ વાંચનાલય ઉપયોગી સાબિત થશે.
પુસ્તક એ સાચો મિત્ર છે અને પુસ્તક એ આપણી જરૂરિયાત છે. જીવનની કારકીર્દી બનાવવામાં પુસ્તક હર હંમેશ ઉપયોગી નીવડે છે ત્યારે ‘ગ્રંથમંદિર’ માંથી વિદ્યાર્થી અને શાળાઓ તેમજ વિક્રેતાઓને પાઠ્યપુસ્તકો સરળતાથી મળશે તેમજ નજીવા દરે વાંચનાલયનો ઉપયોગ કરી શકશે.