અમદાવાદ : અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આવેલાં કાફે, ફૂડ કોર્ટ અને રેસ્ટોરન્ટની ખાણીપીણીની ચીજવસ્તુમાંથી જીવાત નીકળવાની ઘટના હવે સામાન્ય બની ગઈ છે. અમદાવાદમાં આવેલા એક કોર્પોરેટ કેફેના બર્ગરમાંથી જીવાત નીકળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. શહેરનાં રાજપથ-રંગોલી રોડ પર આવેલા કોર્પોરેટ કાફેની આ ઘટના હોવાનું જાણવા મળ્યું છે. AMCના ફૂડ વિભાગની ટીમને જાણ થતાં તેઓએ તાત્કાલિક ટીમ મોકલી તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ અનુસાર, અમદાવાદના રાજપથ-રંગોલી રોડ પર આવેલા કોર્પોરેટ કાફેમાં બર્ગરમાંથી જીવાત નીકળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઘટનાનો ગ્રાહકે વીડિયો પણ બનાવ્યો છે. વાત કરીએ તો ગ્રાહકે આ કોર્પોરેટ કેફેમાંથી ચાર આલુ બર્ગર ટીક્કી મગાવી હતી. જેમાં એકમાંથી બહાર થોડી જીવાત જેવું જોવા મળ્યું હતું. જેથી અંદર ખોલી અને જોયું તો તેઓને જીવાત જોવા મળી હતી. જીવાત નીકળી હોવાથી ત્યાં કેફેવાળા પાસે ગયા હતા અને તેઓને જીવાત નીકળેલી બતાવી હતી.
તમને જણાવી દઈએ કે આ અગાઉ અમદાવાદમાં જૈન ગૃહઉદ્યોગમાંથી અથાણામાંથી મરેલી ગરોળી નીકળી હતી.આ અથાણાને કારણે પરિવારને દર બે દિવસે ઝાડા-ઊલટીની પણ અસર થતી હતી, જેનું કારણ અથાણામાં ગરોળી હોવાનું સામે આવ્યું હતું.શહેરના નરોડા વિસ્તારમાં આવેલી મયૂર હોટલના પંજાબી શાકમાંથી પણ વંદો નીકળ્યો હોવા અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવ્યો છે.
એસજી હાઈવે પર આવેલા કોર્પોરેટ આ કાફેમાં આલુ બર્ગર ટીક્કીમાંથી જીવાત નીકળી હોવા અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમને જાણ થતાં એક ટીમ તાત્કાલિક કોર્પોરેટ કાફે ખાતે ચેકિંગ માટે મોકલવામાં આવી છે. કાફેમાં તપાસ કરી ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.AMC ફૂડ વિભાગ દ્વારા વિવિધ હોટલ અને રેસ્ટોરન્ટમાં આવેલા રસોડામાં ક્યાંય ચેકિંગ કરવામાં આવતું નથી, જેના કારણે આવી ઘટનાઓ વધી રહી છે.