અમદાવાદ : ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રથયાત્રાને લઈ પોલીસ દ્વારા CCTV થી મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. કંટ્રોલ રૂમ પર પોલીસ દ્વારા રથયાત્રાનાં રૂટનું મોનીટરીંગ પર પોલીસ કર્મીઓ નજર રાખી રહ્યા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ પોલીસ રથયાત્રાનાં રૂટ પર CCTV કેમેરાથી સર્વેલન્સ કરી રહી છે. તેમજ કંટ્રોલ રૂમમાં દરેક રૂટ પર પોલીસની નજર છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં પોલીસ દ્વારા રથયાત્રામાં જોડાયેલા તમામ વાહનોમાં GPS લગાવવામાં આવ્યા છે.GPS નાં માધ્યમથી ત્રણ રથો સહિત પોલીસ વાહનો તેમજ રથયાત્રામાં રહેલા તમામ વાહનોનું સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.
તેમજ પોલીસ દ્વારા રથયાત્રાનાં રૂટ પર ડ્રોન સર્વેલન્સ પણ કરવામાં આવી રહ્યું છે. તેમજ રથયાત્રાનાં રૂટ પર આવતા તમામ વિસ્તારો પર ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે. તેમજ આ તમામ વિસ્તારમાં થતી પ્રવૃતિઓ પર પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. તેમજ લાઈવ રથ ક્યાં છે તેને પણ અમે લીંક સાથે શેર કરી રહ્યા છીએ.
રથયાત્રાના રૂટ પર 47 સ્થળ પરથી 96 કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. 20 ડ્રોનથી સમગ્ર રથયાત્રા પર નજર રખાશે. રથયાત્રામાં દરેક ગતિવિધિ પર નજર રાખવા 1,733 બોડીવોર્ન કેમેરા લગાવાયા છે. બોડીવોર્ન કેમેરાથી સતત લાઈવ મોનિટરિંગની સુવિધા રાખવામાં આવી છે. 16 કિ.મીના સમગ્ર રૂટમાં 1,400 CCTVથી નજર રખાશે.
CM ભુપેન્દ્ર પટેલે અમદાવાદની 147મી જગન્નાથ રથયાત્રાના અમદાવાદ શહેરમાં ભ્રમણ તેમજ રથ યાત્રાના સંચાલનનું રિયલ ટાઈમ મોનીટરીંગ મુખ્ય મંત્રી નિવાસસ્થાનના સી.એમ.ડેશ બોર્ડ ની વિડિયો વોલ પર જીવંત પ્રસારણ નિહાળીને કર્યું હતું. તેમણે સવારે જગન્નાથ મંદિરથી રથયાત્રાને પહિંદ વિધિ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું અને ત્યાર બાદ મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચી વિડિયો વોલ પરથી આ રથયાત્રા રૂટ નું નિરીક્ષણ, રથના લોકેશન , પોલીસ દ્વારા ટેકનોલોજી ના ઉપયોગ થી કરવામાં આવી રહેલી રથયાત્રાની સુરક્ષા અને સલામતી વ્યવસ્થાની તલસ્પર્શી જાણકારી મેળવી હતી.