અમદાવાદ- શહેરમાં કાર હાંકતા લોકો માટે આ સમાચાર અત્યંત મહત્વના છે. હવે જો તમે સરખેજ-ગાંધીનગર રોડ, સિંધુ ભવન રોડ અને સરદાર પટેલ રિંગ રોડ પર કાર લઈને નીકળો તો સુનિશ્ચિત કરજો કે તમારી ગાડીની સ્પીડ 70 કિમી પ્રતિ કલાકથી વધે નહીં. જો તમારી કારની સ્પીડ 70 કરતા વધારે જણાશે તો પહેલા તો બે વાર તમને તે જ સ્થળે દંડ ફટકારવામાં આવશે અને ત્રીજી વાર જો આ ભૂલ કરી તો તમારું ડ્રાઈવિંગ લાઈસન્સ રદ્દ કરી દેવામાં આવશે.
ટ્રાફિક પોલીસના કહેવા પ્રમાણે જો કોઈ વાહન ચાલક પ્રથમ વખત ગતિ મર્યાદાનો ભંગ કરશે તો તેની પાસથી બે હજાર રૂપિયા દંડ વસૂલ કરાશે. બીજી વખત પકડાશે તો ચાર હજાર રૂપિયા દંડ વસૂલ કરાશે. ત્યારબાદ પણ જો પકડાશે તો છ મહિના માટે લાઇસન્સ જ સસ્પેન્ડ કરી દેવામાં આવશે. હાલ આ અમલવારી પ્રાયોગિક ધોરણે ફક્ત એસ.જી હાઈવે પર કરવામાં આવશે.
ટ્રાફિક પોલીસના કહેવા પ્રમાણે વાહન ગતિ મર્યાદાનો અમલ કરવા માટે રોડ પર ઠેર ઠેર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં એક ખાસ પ્રકારનું સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. જેના પરથી વાહનની સ્પીડ જાણી શકાશે, અને જો વાહન નિશ્ચિત સ્પીડથી વધારે ઝડપે હંકારવામાં આવ્યું હશે તો દંડ ફટકારવામાં આવશે.