અમદાવાદ : અમદાવાદમાં ફરી એકવાર પોલીસ કસ્ટડીમાંથી ગુનેગાર ફરાર થયો હોવાની ઘટના સામે આવી છે. ત્રણ દિવસ પહેલા જ અપહરણ અને દુષ્કર્મ સહિતના ગુનામાં સોલા પોલીસે ઝડપેલો આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરાર થયો છે. કુદરતી હાજતે જવાના બહાને આરોપી લોકોમાંથી બહાર નીકળ્યો અને પોલીસને ચકમો આપી રફુચક્કર થઈ જતા પોલીસની ટીમ દોડતી થઈ છે. શનિવારે સવારે 8 થી 8:30 વાગ્યાના સમય દરમિયાન આરોપી મેહુલ નટવર પરમાર લોકઅપમાં બંધ હતો ત્યારે ટોયલેટ જવાના બહાને ભાગી ગયો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં સમગ્ર બનાવ બન્યો છે. 21 વર્ષીય મેહુલ નટવરભાઈ પરમાર નામના ગુનેગારની સોલા પોલીસે 10 જુલાઈએ ધરપકડ કરી હતી અને 15 મી જુલાઈ સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. આરોપી સામે અપહરણ અને દુષ્કર્મનો ગુનો નોંધાયો હોય જેની તપાસ ચાલતી હતી, તે દરમિયાન શનિવારે વહેલી સવારે આઠ વાગે આસપાસ મેહુલ પરમાર લોકઅપમાં હતો અને તેણે PSOને લોકોની અંદરનું ટોયલેટ બ્લોક થઈ ગયો હોવાનું જણાવતા ફરજ પર હાજર હેડ કોન્સ્ટેબલે તેને લોકઅપમાંથી બહાર કાઢી પોલીસ કર્મીઓના ટોયલેટમાં કુદરતી આઝાદ માટે મોકલ્યો હતો. જ્યાં દસ મિનિટ સુધી તે બહારના આવતા પોલીસને શંકા જતા દરવાજો ખોલીને જોતા મેહુલ પરમાર બારીની ગ્રીલ તોડીને ફરાર થઈ ગયો હોવાનું ધ્યાને આવ્યું હતું.
સોલા પોલીસ સ્ટેશનમાં 7 જુલાઈએ અપહરણનો ગુનો દાખલ થયો હતો અને 10 જુલાઈએ વસ્ત્રાલ વિસ્તારમાં ચાલતી કન્સ્ટ્રક્શનની સાઈટ પરથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરતા આરોપી રિમાન્ડ પર હોવાથી પોલીસ કસ્ટડીમાં હતો. આ મામલે સોલા પોલીસ સ્ટેશનમાં ફરાર થયેલા આરોપી સામે ફરિયાદ નોંધી સ્થાનિક પોલીસ ઉપરાંત ઝોન પોલીસની ટીમ ફરાર આરોપીને શોધવા માટે કામે લાગી છે.