અમદાવાદ : હવામાન ખાતાએ આજે વરસાદની આગાહી કરી હતી તે મુજબ અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારો તથા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહયો છે. આ લખાય છે ત્યારે છેલ્લી બે કલાકથી અમદાવાદમાં જોરદાર વરસાદ બાદ સામાન્ય વિરામ લીધો છે, જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. હજુ ત્રણથી ચાર કલાક વરસાદ ચાલુ રહે તેવી આગાહી છે.
અમદાવાદમાં બપોર બાદ પણ ચાંદખેડા, ન્યુ રાણીપ, જગતપુર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ચાલુ થયો હતો. પૂર્વ વિસ્તારમાં હીરાવાડી, બાપુનગર, કુબેરનગર, સરદારનગર એરપોર્ટ વિસ્તારમાં પાણી ભરાયાં છે. શહેરના મોટા ભાગના વિસ્તારમાં પોણા ઈંચથી લઈને એક ઈંચ સુધી વરસાદ પડી ગયો છે. અમદાવાદમાં કેટલાય દિવસથી ભારે ગરમી અને બફારાનો અનુભવ થાય છે ત્યારે આજના વરસાદથી થોડી ઠંડક ફેલાઈ છે. અત્યારે આશ્રમરોડ, ઉસ્માનપુરા, લાલદરવાજા, પાલડી, ઇન્કમટેક્સ, વાડજ, રિવરફ્રન્ટ સહિતના વિસ્તારોમાં વરસાદ ચાલુ છે.
અમદાવાદમાં જે વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા રહે છે ત્યાં આજે પણ એવી જ સ્થિતિ છે. જયહિંદ ચાર રસ્તા, રામબાગ, મણિનગર રેલવે સ્ટેશન પાસે પાણી ભરાયા છે.એરપોર્ટ સર્કલ, શાહીબાગ, ઈન્દિરા બ્રીજ, આશ્રમ રોડ, ભાટ ગામ, સરદારનગર અને લાલ દરવાજા વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે અમદાવાદમાં દરેક મહત્ત્વના રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે.
આ અગાઉ અમદાવાદમાં બપોરે 12:30 વાગ્યાની આસપાસ કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. અંધારપટ વચ્ચે પવન સાથે ધોધમાર વરસાદ શહેરમાં શરૂ થયો હતો.અમદાવાદમાં સવારથી વરસાદનો માહોલ જામતો જોવા મળ્યો હતો અને 11 વાગ્યા સુધીમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો હતો. ઘણા લોકોના વાહન વરસાદમાં બંધ પડી ગયા હતા તેના કારણે તેમણે ધક્કા મારીને જવું પડ્યું હતું અથવા વાહનોને રસ્તામાં જ છોડી દેવા પડ્યા હતા.