અમદાવાદ : આજના સમયમાં ઘણા લોકો જમાવાનું ઓનલાઈન મંગાવતા હોય છે અને ઘણીવાર જમવાના પાર્સલમાંથી વાળ કે કોઈ જીવાત નીકળતી હોય છે, તો ઘણીવાર વેજ ફૂડ ઓર્ડર કરવા પર પાર્સલમાંથી નોન-વેજ ફૂડ નીકળ્યું હોવાની પણ અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. જોકે, અમદાવાદની એક યુવતી સાથે જે બનાવ બન્યો તેના વિશે જાણીને તમે પણ હચમચી જશો. વાસ્તવમાં ઓનલાઈન મંગાવેલા ફૂડમાં છાશના બદલે બોટલમાં ફિનાઈલ પહોંચ્યું હતું. જે પીધા બાદ યુવતીની તબિયત લથડતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરના સાયન્સ સિટી વિસ્તારમાં આવેલી એક આઇટી કંપનીમાં નોકરી કરતી યુવતીને ઓનલાઇન ફૂડ ઓર્ડર કરવાનું ભારે પડ્યું છે. યુવતી ઓફિસમાં લંચ લઇને ન આવી હોવાથી તેના પતિએ ઓનલાઇન ફૂડ ઓર્ડર કર્યો હતો. લંચ માટે દાલફ્રાય, જીરા રાઇસ અને છાશનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. જે બાદ યુવતીએ જમતા સમયે છાશ પીધી હતી. જેના બાદ તેને તરત જ ગળા અને છાતીના ભાગે બળતરા શરૂ થઇ હતી. તબિયત બગડતાં યુવતીને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી.
હોસ્પિટલમાં યુવતીની સારવાર શરૂ કરવામાં આવી હતી. યુવતીએ છાશ નહીં, પરંતુ ફિનાઇલ પીધા બાદ તબિયત બગડી હોવાનો અભિપ્રાય ડોક્ટર્સે વ્યક્ત કર્યો હતો. એટલે કે, છાશની જગ્યાએ ફિનાઇલ આપવામાં આવ્યું હોવાનું સામે આવતાં આ અંગે બોડકદેવ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે યુવતીની અરજીના આધારે તપાસ શરૂ કરી છે.