અમદાવાદ : અમદાવાદમાં મેટ્રો રેલ પ્રોજેક્ટનો ફેઝ-1ના નોર્થ-સાઉથ કોરિડોરમાં 20મી મેએ ગ્યાસપુર ડેપોથી મોટેરા મેટ્રો સ્ટેશન સુધી પહેલીવાર ટ્રાયલ કરાયું હતું.મહત્વકાંક્ષી મેટ્રો રેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો ઓગસ્ટ સુધીમાં સંપૂર્ણ કાર્યરત્ થઇ જાય તેવી સંભાવના છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1માં નોર્થ-સાઉથ અને ઈસ્ટ-વેસ્ટ એમ બે કોરિડોર છે. જેમાં નોર્થ-સાઉથ કોરિડોર ગ્યાસપુર ડેપોથી મોટેરા અને ઈસ્ટ-વેસ્ટ કોરિડોર થલતેજ ગામથી વસ્ત્રાલ ગામનો છે. તાજેતરમાં ગ્યાસપુર ડેપોથી મોટેરા મેટ્રો સ્ટેશન સુધી મેટ્રો ટ્રેનની ટ્રાયલ હાથ ધરાઇ હતી. આ ટ્રાયલ દરમિયાન મેટ્રો ટ્રેન એપીએમસી, જીવરાજ, રાજીવનગર, શ્રેયસ, પાલડી, ગાંધીગ્રામ, જૂની હાઇકોર્ટ, ઉસ્માનપુરા, વિજયનગર, વાડજ, રાણીપ, એઇસી, સાબરમતી મેટ્રો સ્ટેશનથી પસાર થઇને મોટેરા મેટ્રો સ્ટેશને પહોંચી હતી.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા પ્રમાણે હવે ટ્રાયલ ચાલુ રહેશે અને આગળ બાકી રહેતી કામગીરી પૂર્ણ કરવાની કાર્યવાહી થશે. ઓગસ્ટના અંત સુધીમાં બન્ને કોરિડોર કાર્યરત થઈ શકે તે પ્રમાણે કામગીરી ચાલી રહેલી છે.