અમદાવાદ : ગુરુપૂર્ણિમાના અવસરે અમદાવાદમાં નિર્ણયનગર ખાતે આવેલ આત્મીય વિદ્યા નિકેતનમાં આચાર્ય વંદના કાર્યક્રમ યોજાયો હતો.IMCTF તથા અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ગ્રામ્યના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત શિષ્યો દ્વારા ગુરુની પૂજા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બોર્ડના પૂર્વ ચેરમેન અને શહેરની જાણીતી સ્કૂલોના સંચાલકો હાજર રહ્યા હતા. અમદાવાદ ગ્રામ્યના 1 લાખ જેટલા વિદ્યાર્થીઓ વેબિનારથી આ કાર્યક્રમમાં જોડાયા હતા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદની નિર્ણયનગરમાં આવેલી આત્મીય વિદ્યા નિકેતનમાં આચાર્ય વંદના કાર્યક્રમ યોજાયો હતો.જેમાં અલગ-અલગ 64 કલાઓના ગુરુઓ તથા શિષ્ય ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે બોર્ડના પૂર્વ ચેરમેન એ.જે શાહ,સિનિયર એડવોકેટ અરુણ ઓઝા, નાટ્યકર મનીષ પાટડીયા અને નૃત્યકાર શીતલ મકવાણા તથા ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારી કૃપા ઝા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં 600 જેટલી સ્કૂલોના 1,00,000થી વધુ વિદ્યાર્થીઓ વેબિનારથી જોડાયા હતા.અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી ગ્રામ્ય તથા IMCTF દ્વારા આચાર્ય વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, નૃત્ય, વાદ્ય, ગાન વિદ્યા, નાટ્યકળા, જાદુગર કળા, માટીના વાસણો/યંત્રો બનાવવા, સાંકેતિક ભાષા લખવાની વિદ્યા, ગાલીચા સાલ વગેરે બનાવનાર કળા, નાટક લખવાની કળા, જુદી જુદી ખાવાની ચીજો બનાવવાની કળા, કપડા બનાવવાની કળા, ઘરેણાં બનાવવાની કળા, પ્રતિમા બનાવવી, સોયથી કામ લેવાની કળા, ચિત્ર કળા, જડીબુટ્ટી અને ઔષધિ બનાવવાની કળા, કઠપૂતળી બનાવવાની કળા, સોનું – ચાંદી વગેરે ઘડવાની કળા, મણિઓના રંગને ઓળખવાની કળા સહિતની કુલ 64 જેટલી કલાઓના કલાગુરુઓનું પૂજન, સન્માન અને ગુરુવંદના આ પ્રસંગે કરવામાં આવી હતી.
અમદાવાદ ગ્રામ્ય શિક્ષણ અધિકારી કૃપા ઝાએ જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન સર્વોચ્ચ છે. શાળાના વિદ્યાર્થીઓમાં સંસ્કાર સિંચન થાય તેમજ ગુરુ-શિષ્ય પરંપરા પ્રત્યે આદર કેળવાય, તે ઉમદા હેતુસર અમદાવાદ ગ્રામ્યની શાળાઓમાં સાત દિવસીય ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી થઈ રહી છે.