અમદાવાદ : પોલીસને શર્મસાર કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પોલીસ કોન્સ્ટેબલે એક વ્યક્તિ પર દારૂનો ખોટો કેસ કર્યો હતો. બાદમાં વ્યક્તિને બીજા ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી 50 હજાર રૂપિયા પડાવ્યા હતા. આ ઉપરાંત બીજા 30 હજારની પણ માંગણી કરી હતી પરંતુ, બીજા પૈસા પડાવે તે પહેલાં ACBએ કોન્સ્ટેબલ અને વચેટિયાને 30 હજાર લેતા રંગે હાથે ઝડપી લીધો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ રાજેશ પટેલે ફરિયાદીને ખોટા દારૂના કેસમાં ફસાવીને ઘરપકડ કરી હતી. ત્યારબાદ ખોટી રીતે ડરાવી ધમકાવી અને બીજા ખોટા કેસમાં ફસાવવાનો ડર બતાવીને 50,000 રૂપિયા પડાવ્યા હતા. ફક્ત એટલું જ નહીં ફરિયાદી પાસે ખોટા કેસમાં ફસાવવાના બહાને 30,000 રૂપિયાની લાંચની માગણી કરી હતી. ફરિયાદીએ આ અંગે ACBમાં ફરિયાદ કરી હતી. ACBએ લાંચ અંગેનું છટકું ગોઠવ્યું હતું.
જેના આધારે વિરમગામમાં આવેલા જોગણી માતાજીના મંદિર પાસે છટકુ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં કોન્સ્ટેબલ વતી ભરત ઠાકોર (રહે.હાસંલપુર, વિરમગામ) જ્યારે લાંચ લેતો હતો ત્યારે બંનેને ઝડપી લેવામાં આવ્યા હતા. આ અંગે ગુનો નોંધી ACBએ વધુ કાર્યવાહી હાથ ધરી છે.