મુંબઈ : ગુજરાતના અમદાવાદથી મુંબઈ વચ્ચે ચાલતી વંદે ભારત એક્સપ્રેસના સમયમાં પશ્ચિમ રેલવેએ ફેરફાર કરવાની જાહેરાત કરી છે. મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ માટે વંદે ભારત હવે નવા સમય પર ચાલશે. અત્યાર સુધી વંદે ભારત એક્સપ્રેસ બપોરે 3.55 કલાકે ઉપડતી હતી, પરંતુ હવે આ ટ્રેન થોડી વહેલી ઉપડશે. પશ્ચિમ રેલવેએ વંદે ભારત ટ્રેન ઉપડવાનો નવો સમય બપોરે 3.45 કલાક કર્યો છે. એટલે કે મુંબઈથી ટ્રેન 10 મિનિટ વહેલી ઉપડશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઓપરેશનલ કારણોસર, 24 ઓગસ્ટ, 2024 થી ટ્રેન નંબર 22961 ના સમયમાં સુધારો કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે આ ફેરફાર ટ્રેન નંબર 22961 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ માટે છે. અમદાવાદથી મુંબઈ જવાના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નવા સમય મુજબ, વંદે ભારત એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલથી 3.55ને બદલે બપોરે 3.45 કલાકે ઉપડશે, એટલે કે 24 ઓગસ્ટથી 10 મિનિટ વહેલા ઉપડશે. ટ્રેન મુંબઈમાં બોરીવલી ખાતે 4.20 થી 4.23ના બદલે 4.10 થી 4.13 દરમિયાન રોકાશે. તેવી જ રીતે, વાપી, સુરત અને વડોદરા સ્ટેશનના હોલ્ટના સમયમાં પણ પાંચ મિનિટ સુધીનો ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રેન અમદાવાદ રેલવે સ્ટેશન પર 9.25ના બદલે 9.15 વાગ્યે આવશે.
તમને જણાવી દઈએ કે વંદે ભારત જે રૂટ પર ચાલે છે. જેના પર ભવિષ્યમાં દેશની પ્રથમ બુલેટ ટ્રેન દોડવાની છે. પશ્ચિમ રેલવેએ આ રૂટ પર વંદે ભારતને 160ની સ્પીડથી દોડાવવાની તૈયારી પૂરી કરી લીધી છે. સૂત્રો પ્રમાણે આગામી મહિને એટલે કે 14 ઓગસ્ટથી વંદે ભારતને નવી સ્પીડ મળી શકે છે. મુંબઈથી અમદાવાદ અને ગાંધીનગર સુધી સુચારૂ સંચાલન માટે આખા રૂટ પર બીમ બેરિયર લગાવવામાં આવ્યા છે. આ સાથે પશ્ચિમ રેલવેએ ટ્રેક અને સિગ્નલ સિસ્ટમને એડવાન્સ કરી છે.